અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી અને લાશને રસોડામાં દાટી દીધી

06 November, 2025 08:53 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

એક વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ છેક હવે ખૂલ્યો : રસોડામાં દાટેલી લાશના અવશેષ મળી આવ્યા : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રેમીની ધરપકડ કરી, પત્ની અને અન્ય બે સાગરીતો ફરાર

પત્ની રુબી અન્સારી, પ્રેમી ઇમરાન વાઘેલા, પતિ સમીર બિહારી

પ્રેમ આંધળો હોય છે અને એ વ્યક્તિને ક્યારેક ખૂની પણ બનાવી દે છે અને હર્યોભર્યો સંસાર ઊજડી જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. એમાં બે સંતાનની માતાએ તેના પ્રેમી તેમ જ અન્ય બે લોકો સાથે મળીને એક વર્ષ પહેલાં તેના પતિની ઠંડા કલેજે હત્યા કરીને લાશને ઘરના રસોડામાં દાટી દીધી હતી અને જાણે કશું બન્યું જ ન હોય એમ ઘરમાં રહેતી હતી. જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તપાસ હાથ ધરીને પ્રેમી ઇમરાન વાઘેલાને ઝડપી લીધો છે, જ્યારે પતિની નિર્મમ હત્યા કરનાર રુબી અન્સારી અને તેના બે સાગરીતોને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.     

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સરખેજ ફતેવાડી કૅનલ વિસ્તારમાં રહેતા સમીર બિહારીની હત્યા તેની પત્ની રુબી અન્સારી અને તેના પ્રેમી ઇમરાન વાઘેલાએ એક વર્ષ પહેલાં કરી હતી અને લાશને ઘરમાં જ દાટવામાં આવી છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. એમાં જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામનાર સમીર બિહારી છેલ્લા એક વર્ષથી તેના ઘરે કે તેના વતનમાં જોવા મળતો નથી એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇમરાન વાઘેલાની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. ઇમરાન વાઘેલા અને સમીરની પત્ની રુબી વચ્ચે પ્રેમસંબંધ હતો. એની ખબર રુબીના પતિ ઇઝરાયલ અન્સારી ઉર્ફે સમીર બિહારીને થતાં તે રુબીને મારઝૂડ કરીને ત્રાસ આપતો હતો. એથી રુબી અને તેના પ્રેમી ઇમરાન ઉપરાંત તેના મામા અને માસીના દીકરાઓએ ભેગા મળીને એક વર્ષ પહેલાં રાત્રે સમીર બિહારીની તેના જ ઘરમાં તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી હતી અને લાશને રસોડામાં ખાડો કરીને દાટી દીધી હતી અને તેના પર ફ્લોરિંગ કરી દીધું હતું.  

ઇમરાન વાઘેલાની પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો હતો અને લાશ જે જગ્યાએ દાટેલી હતી એ જગ્યા બતાવતાં ત્યાંથી અસ્થિ, માંસપેશીઓ, વાળ સહિતના અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષોને ફૉરે​​ન્સિક તપાસ તથા ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) માટે લૅબમાં મોકલી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે સમીર બિહારી અને રુબીએ પ્રેમલગ્ન કર્યાં હતાં અને બે બાળકો સાથે છેલ્લાં દસેક વર્ષથી અમદાવાદમાં રહેતાં હતાં.   

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને બાતમી મળી હતી એ આધારે તપાસ કરીને વેરિફિકેશન કર્યું હતું. મંગળવારે આરોપીને સાથે રાખીને ઘરે તપાસ કરતાં રસોડામાં દાટી દેવામાં આવેલી ડેડ-બૉડીના અવશેષો મળી આવ્યા હતા.’ 

gujarat news gujarat gujarat police Crime News ahmedabad