25 October, 2026 07:55 AM IST | Ahmedabad | Varsha Chitaliya
નેહા ભટ્ટ
અકસ્માતમાં ડાબો પગ ગુમાવ્યા પછી પણ પૂરા કૉન્ફિડન્સ સાથે કેડિયું અને શૉર્ટ્સ પહેરીને ગરબા રમતાં અમદાવાદનાં ૪૫ વર્ષનાં નેહા ભટ્ટ કેદારનાથ, અમરનાથ અને ગિરનાર જેવા કઠિન પહાડો કૃત્રિમ પગ સાથે ચડી આવ્યાં છે. ભારતભરનાં મંદિરોની જાત્રા કરવાની ઇચ્છા ધરાવતાં નેહા ભટ્ટે પગ કઈ રીતે ગુમાવ્યો, એ યાતનામાંથી કઈ રીતે બહાર નીકળ્યાં અને સોલો ટ્રાવેલર બન્યાં એની દાસ્તાન પ્રેરણાદાયી છે
અમદાવાદમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમતાં નેહા ભટ્ટ.
તમને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતી હોવા છતાં મને ગરબા રમવાનો શોખ નહોતો. સ્વભાવે અંતર્મુખી હતી અને નાનપણથી પબ્લિક ફિયર હતો. વળી ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે નવરાત્રિમાં રમવા જવા માટે ન તો સારાં કપડાં હતાં કે ન તો પૈસા. બહેનપણીઓ ખરી, પણ માત્ર વાતચીત કરવા. હરવા-ફરવા જેવા સંબંધો રાખ્યા નહોતા. અકસ્માત પહેલાં મારી જિંદગી ઘેટા જેવી હતી. બહેનપણીને ગમે એ મને ગમે. મારી કોઈ પર્સનલ ચૉઇસ જ નહોતી...
આ શબ્દો છે ૨૦૨૧માં અકસ્માતમાં એક પગ ગુમાવી દેનારાં અમદાવાદનાં ૪૫ વર્ષનાં નેહા ભટ્ટના. હાલમાં પૂરી થયેલી નવરાત્રિમાં કેડિયું-કોટી અને નીચે શૉર્ટ્સ પહેરીને, કૃત્રિમ પગ (પ્રોસ્થેટિક લેગ) વગર, એક પગના સંતુલન પર તેમણે જે ગ્રેસ સાથે ગરબાની રમઝટ બોલાવી એ જોઈને ખેલૈયાઓ પણ ક્ષણિક થંભી ગયા હતા. સમાજના ડર, સંકોચ કે દયાની નજરની પરવા કર્યા વિના પોતાના કપાયેલા પગને દુનિયા સામે ગર્વથી હાઇલાઇટ કરતાં નેહા ભટ્ટની હિંમત માત્ર ગરબાના ગ્રાઉન્ડ પૂરતી સીમિત નથી. હજી થોડા દિવસ પહેલાં તેમણે બાબા કેદારનાથની અત્યંત કઠિન મનાતી જાત્રા ચાલીને સફળતાપૂર્વક પૂરી કરી હતી. એ બતાવે છે કે જિંદગી જીવવાનો અને લડવાનો અસલી જુસ્સો શારીરિક ફિટનેસથી નહીં, લોખંડી મનોબળથી આવે છે. એક પગ ગુમાવ્યા પછી પણ જિંદગીને આટલી બેબાક અને સાહસિક રીતે જીવતાં નેહા ભટ્ટની લાઇફસ્ટોરીને તેમના જ શબ્દોમાં જાણીએ...
એક પગના સહારે કેદારનાથની જાત્રા કરી રહેલાં નેહા ભટ્ટ.
ગરબાની રમઝટ
પૈસાના અભાવે નાનપણથી કોઈ શોખ વિકસ્યા નહોતા અને ઘર સિવાયની કોઈ દુનિયા પણ નહોતી એમ જણાવીને નેહા ભટ્ટ કહે છે, ‘૨૦૧૯માં થોડા પૈસા ખર્ચી શકાય એવી સ્થિતિ આવી ત્યારે ગરબા શીખવાની ઇચ્છા થઈ. જોકે સારી રીતે રમતાં આવડે અને મનમાંથી પબ્લિક ફિયર નીકળે એ પહેલાં લૉકડાઉન આવી જતાં નવરાત્રિ રમવા ન મળી. એ પછી ૨૦૨૧માં અકસ્માતમાં પગ જ ગુમાવી દીધો. એક પગે રમવામાં પડી જવાનો ભય લાગતો. છતાં હિંમત કરીને ૨૦૨૩માં ગરબા રમવા ખાસ શૉર્ટ્સ સીવડાવ્યું, જેથી ગ્રાઉન્ડ પર રમતા અન્ય ખેલૈયાઓને ખબર પડે કે હું દિવ્યાંગ છું અને લોકો સંભાળીને રમે. જોકે તોય મનમાં બીક રહેતી. ગયા વર્ષે વડોદરાના BJPના સંસદસભ્ય હેમાંગ જોશીએ નવરાત્રિમાં ઇન્વાઇટ કરી ત્યાંથી મારો કૉન્ફિડન્સ પાછો આવ્યો. આ વર્ષે અમદાવાદના અલગ-અલગ પ્લૉટમાંથી ઇન્વિટેશન આવ્યાં હતાં અને નવેનવ દિવસ અલગ-અલગ જગ્યાએ રમવા ગઈ હતી. એમાંથી ૩ દિવસ સામાન્ય ખેલૈયાઓ સાથે રમી અને બાકીના દિવસો મારા જેવા દિવ્યાંગો માટેના ખાસ રાઉન્ડમાં રમી હતી. જોકે અમારાં શારીરિક લિમિટેશન્સ હોય એટલે બધાં સ્ટેપ્સ ન ફાવે. મને ડાકલા રમવા બહુ ગમે છે અને એક પગે ગોળ પણ ફરી લઉં છું. કોઈ પણ ગ્રુપમાં જૉઇન થઈ જાઉં છું, જાહેરમાં સંકોચ નથી થતો. કંઈક ગુમાવ્યા પછી મારામાં આ આત્મવિશ્વાસ આવ્યો છે. અકસ્માત પછી મારી આખી પર્સનાલિટી ચેન્જ થઈ ગઈ છે. ગરબા રમવા ઉપરાંત ૧૨ જ્યોતિર્લિંગ સહિત ઘણી જાત્રા કરવી છે.’
અમદાવાર રિવરફ્રન્ટ પાસે ચા બનાવી રહેલાં નેહા ભટ્ટ.
પગ કઈ રીતે ગુમાવ્યો?
નેહાબહેનનો જન્મ અને ઉછેર મહુવામાં થયો છે. ઘરની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. તેમના પપ્પા પ્રકાશભાઈ ઇલેક્ટ્રિશ્યન તરીકે છૂટક કામ કરતા હતા. ૩૦ વર્ષ સુધી તેઓ ભાડાના મકાનમાં રહ્યા. એક રૂમનું એ ઘર એટલું જર્જરિત હતું કે ચોમાસામાં વરસાદનું પાણી સતત ટપકતું રહેતું. રોજનું રોજ કમાઈને ખાનારો શ્રમિક પરિવાર હતો. ઘણી વાર પ્રકાશભાઈને કામ ન મળે તો ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું. ઘરમાં મોટા ભાગે ખાવાનાં ફાંફાં જ હોય. અનાજ ન હોય ત્યારે નેહાબહેનનાં મમ્મી વર્ષાબહેન કુકરમાં માત્ર પાણી નાખીને ખાલી સીટી વગાડતાં. તેમને ડર હતો કે જો મકાનમાલિકને જાણ થશે કે આ લોકો પાસે ખાવાના પૈસા નથી તો તે ભાડું નહીં મળે એ ડરથી ઘરમાંથી કાઢી મૂકશે. માથા પરથી છત ગુમાવવાનો ભય હંમેશાં સતાવતો. આવી પરિસ્થિતિમાં નેહાબહેને બારમા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. ત્યાર બાદ સરકારી નોકરી મેળવવાની આશાએ પ્રાઇમરી સ્કૂલ-ટીચર બનવાનો કોર્સ કર્યો. સંગીત વિશારદ અને કમ્પ્યુટરનો કોર્સ પણ કર્યો. તેમનો એક જ હેતુ હતો કે પપ્પાને આર્થિક ટેકો આપવો છે. ૨૦૧૯માં ગાંધીનગરની ગિફ્ટ સિટીની સ્કૂલમાં ટીચર તરીકે નોકરી મળી અને તે અમદાવાદ આવી ગયાં.
નોકરી મળતાં ખુશ હતી એમ જણાવીને આગળ વાત કરતાં નેહાબહેન કહે છે, ‘કરકસર કરીને પૈસા બચાવ્યા અને જમાપૂંજી ખર્ચીને મહુવામાં ઘર બુક કર્યું. એ જ અરસામાં લૉકડાઉન આવી જતાં બિલ્ડર પૈસા માટે સતત પ્રેશર કરવા લાગ્યો. જુલાઈ ૨૦૨૧ના એ ગોઝારા દિવસે બૅન્કના કામકાજ અર્થે સરકારી બસમાં મહુવા જઈ રહી હતી. વહેલી સવારે બસના ડ્રાઇવરને ઝોકું આવી ગયું અને સામેથી આવતી ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ. બસમાં ૩૮ પ્રવાસીઓ હોવા છતાં માત્ર હું એકલી રોડ પર ફંગોળાઈ ગઈ. બે કલાક પીડામાં કણસતી રહી જેને લીધે ઘણું લોહી વહી ગયું. ત્યાર બાદ બેભાનાવસ્થામાં મને સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. પોલીસે મમ્મી-પપ્પાને ફોન પર અકસ્માતની જાણ તો કરી, પણ તેમને બનાવની ગંભીરતાનો અંદાજ નહોતો એટલે ST બસમાં બેઠાં અને છેક રાત્રે હૉસ્પિટલ પહોંચી શક્યાં. સામાન્ય મેડિકલ પ્રોટોકૉલ મુજબ ગંભીર કેસમાં ઘરના સભ્યોની રાહ જોયા વગર સારવાર શરૂ કરી દેવાય, પણ મારાં નસીબ ખરાબ હતાં. ડૉક્ટરોએ રાહ જોઈ અને હું લાવારિસ દરદીની જેમ હૉસ્પિટલમાં ઍડ્મિટ થવાની રાહ જોતી પડી હતી, જેની મને પોતાને પછીથી ખબર પડી. બધી પ્રક્રિયાઓ પત્યા પછી રાતના એક વાગ્યે ડૉક્ટરે મારા પેરન્ટ્સને મોટો ઝટકો આપતાં કહ્યું કે દીકરીનો જીવ બચાવવો હોય તો ડાબો પગ કાપવો પડશે.’
નેહા તેમના પેરન્ટ્સ વર્ષા પ્રકાશ ભટ્ટ સાથે.
ટર્નિંગ પૉઇન્ટ
ઑપરેશન થઈ ગયા પછી પણ નેહાબહેન લાંબા સમય સુધી ભાનમાં નહોતાં આવ્યાં. શરીરમાંથી એટલું બધું લોહી વહી ગયું હતું કે ૧૯ બૉટલ બ્લડ ચડાવવું પડ્યું. યાદશક્તિ જતી રહી. એ દિવસોની ઘણીબધી વાતો તેમને આજે પણ યાદ નથી. કપરા સમયમાં હૉસ્પિટલમાં આવતા અજાણ્યા લોકો તેનાં મમ્મી-પપ્પાની હાલત જોઈને થોડાઘણા રૂપિયા કે ખાવાનું આપી જતા. કેટલાક મિત્રોએ આર્થિક અને માનસિક ટેકો આપ્યો. આટલા મોટા હાદસા અને મોતના મુખમાંથી બહાર આવ્યા પછી નેહાબહેનને નવો જન્મ મળ્યો.
પગ કપાઈ ગયાનો આઘાત સહન કરવો સહેલો નહોતો એમ જણાવીને પોતાની આપવીતી વર્ણવતાં નેહાબહોન કહે છે, ‘લગભગ બે વર્ષ સુધી ડિપ્રેશનમાં રહી. કૃત્રિમ પગ માટે પૈસા નહોતા. મિત્રોની મદદથી ક્રાઉડ ફન્ડિંગ કરીને ૧૦ લાખ રૂપિયા ભેગા કર્યા અને હાઇડ્રોલિક પગ મેળવ્યો. આ પગમાં હાઇડ્રોલિક સિલિન્ડર મેકૅનિઝમ હોય છે જે ચાલતી વખતે, ઊભા રહેતી વખતે કે દાદર ચડતી વખતે પ્રેશરને કન્ટ્રોલ કરે છે. ધીમે-ધીમે જિંદગી થાળે પડતી ગઈ. સચ્ચાઈને સ્વીકારીને, મનને મક્કમ કરીને રોજીરોટી વિશે વિચાર્યું. હું કોઈના પર આજીવન બોજ બનીને ન રહી શકું. કૃત્રિમ પગ વાપરવાની ટેક્નિક શીખ્યા પછી સ્વાભિમાનથી જીવવા રિવરફ્રન્ટ પર ‘અમ્પુ-ટી’ સ્ટૉલ શરૂ કર્યો. દિવ્યાંગ યુવતીને આ રીતે આજીવિકા કમાતી જોઈને લોકો પ્રેરિત થયા. જોકે ૨૦૨૩માં અમદાવાદ કૉર્પોરેશન દ્વારા સ્ટૉલને તોડી પાડવામાં આવ્યો. વિધાનસભાની બહાર ધરણાં કર્યાં, પણ કંઈ મદદ મળી નહીં. જોકે ઈશ્વર પર ભરોસો રાખ્યો. મનમાં વિચાર આવ્યો કે બે પગવાળો માનવી જે કરી શકે એ હું કેમ ન કરી શકું? જે છોકરી ક્યારેય પોતાના ગામ કે શહેરની બહાર નહોતી નીકળી તેણે સીધો ગિરનાર પર્વત ચડવાનો નિર્ણય લીધો. ૨૦૨૪ના ચોમાસામાં એક પગે ગિરનાર ચડવા ગઈ. એ વખતે લોકોનું મારા પર ધ્યાન ગયું અને વિડિયો બનવા લાગ્યા. પછી તો ઇન્ટરનેટ પર છવાઈ ગઈ. ત્યાર બાદ એ જ વર્ષે ડિસેમ્બરમાં દ્વારકાની જાત્રા કરી. જોકે આ બન્ને જાત્રામાં પેરન્ટ્સ સાથે હતા. ૨૦૨૫માં સોલો ટ્રાવેલ સ્ટાર્ટ કર્યું.’
ગિરનારના ટ્રેક દરમ્યાન પગથિયાં પર આરામ કરી રહેલાં નેહા ભટ્ટ.
આટલી જાત્રા થઈ ગઈ
એક પગે ઊંચા ડુંગરા ચડી શકું છું એવો આત્મવિશ્વાસ આવ્યા પછી અને દ્વારકામાં VIP લાઇનમાં દર્શનનો લાભ મળતાં મને વિશ્વાસ બેઠો કે મહાદેવજી અને કાળિયો ઠાકર મારી સાથે છે; એ મને લઈ જશે, બધી સગવડ થઈ જશે એમ જણાવીને નેહાબહેન કહે છે, ‘મારો જન્મ બાવીસ જાન્યુઆરીએ થયો છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પણ એ જ તારીખે થઈ હતી. પૂરી શ્રદ્ધા સાથે ૨૦૨૫માં જાન્યુઆરીમાં પહેલી જાત્રા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની કરી. એ પછી ફેબ્રુઆરીમાં કુંભમેળો, માર્ચમાં ઓમકારેશ્વર અને એપ્રિલમાં સોમનાથ અને નાગેશ્વર ગઈ. ઑક્ટોબરમાં કેદારનાથ અને નવેમ્બરમાં ત્ર્યંબકેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં. પહેલી વાર ચાલીને કેદારનાથ પહોંચતાં પચાસ કલાક લાગ્યા હતા. મારી ઇચ્છા દર મહિને એક જાત્રા કરવાની છે, પરંતુ ચોમાસામાં કૃત્રિમ પગ સાથે ચાલવું મુશ્કેલ હોવાથી બ્રેક લાગી જાય છે. આમ છતાં અત્યાર સુધીમાં ૭ જ્યોતિર્લિંગ કરી લીધાં છે. ઉજ્જૈન રેગ્યુલર આવું છું એ જાણીને લોકો કનેક્ટ થવા લાગ્યા. પોસ્ટ નાખું એટલે મેસેજ આવે કે મારા ઘરે રોકાજો, અમારે ત્યાં જમજો. જ્યોતિર્લિંગ ઉપરાંત ભારતનાં ચારધામ પણ કરી રહી છું. એમાંથી બદરીનાથ અને દ્વારકા થઈ ગયાં છે. આ વર્ષે જુલાઈમાં માત્ર ૫૦૦ રૂપિયા લઈને અમરનાથની જાત્રાએ ગઈ હતી. બાલતાલ રૂટથી ૧૯ કલાક લાગ્યા હતા. આ બધી જાત્રામાંથી માત્ર કુંભમેળામાં પેરન્ટ્સને ફરજિયાત લઈ જવા પડ્યા હતા. સ્પૉન્સરશિપ આપનાર કંપનીએ ભીડને લીધે આવી શરત મૂકી હતી. જાત્રા દરમ્યાન ક્યારેય બીમાર પણ નથી પડી. ચમત્કાર જુઓ, હાલમાં જ બીજી વાર કેદારનાથ ગઈ ત્યારે દર્શન કરીને નીચે ઊતરી અને બીજા જ દિવસે ત્યાં લૅન્ડસ્લાઇડ થયું અને ૪૦૦૦ લોકો ફસાઈ ગયા. મારે ભારતભૂમિનાં તમામ મંદિરોમાં દર્શન કરવાં છે. ડિસેમ્બર સુધીમાં ડાકોર, અંબાજી, ખાટુશ્યામ અને ભીમાશંકરનાં દર્શન કરવાની ઇચ્છા છે.’
નેહાબહેન અમદાવાદમાં એકલાં રહે છે. રસોઈ બનાવવા સહિત તમામ કામ જાતે કરે છે. હળવો વ્યાયામ પણ કરે છે. નાનો ભાઈ એન્જિનિયર છે અને રાજકોટમાં રહે છે. પેરન્ટ્સ બન્ને સંતાનોના ઘરે વારાફરતી રહેવા આવે છે. સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા થોડીઘણી કમાણી થઈ જાય છે. ઘરનું ભાડું અને રસોડાનો ખર્ચ ભાઈ ઉઠાવે છે. ઉપરાંત દિવ્યાંગો માટેની સરકારી યોજના હેઠળ દર મહિને ૧૦૦૦ રૂપિયા આવે છે. ST બસ અને રેલવેમાં છૂટ છે. જાત્રાના ખર્ચ માટે સ્પૉન્સરશિપ અથવા લોકોનો સાથ મળે છે. પૈસાની સગવડ થાય તો કૅફે ખોલવું છે. હાલમાં તેમણે ઝોમાટોમાં ડિલિવરીનું કામ મેળવવા માટે અપ્લાય કર્યું છે.
એક પગના સહારે નેહા ભટ્ટને માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઇચ્છા છે. જોકે તે પોતે સ્વીકારે છે કે પરવાનગી મેળવવી, સ્પૉન્સરશિપ, ટ્રેઇનિંગ વગેરે અતિશય મુશ્કેલ છે. અત્યારે તો ભારતનાં ઊંચાં મંદિરો સુધી પહોંચી શકાય છે એનો તેમને આનંદ છે.
પ્રોસ્થેટિક લેગ શું છે?
સામાન્ય રીતે લોકોને પ્રશ્ન થાય છે કે એક પગ ગુમાવ્યા પછી પણ નેહા ભટ્ટ આટલા ઊંચા પહાડો કેવી રીતે ચડી શકે છે? મેડિકલ અને ટેક્નિકલ ભાષામાં સમજીએ તો તેઓ જે કૃત્રિમ પગનો ઉપયોગ કરે છે એને ‘અબોવ-ની પ્રોસ્થેસિસ’ કહેવાય છે. અકસ્માતમાં તેમનો ડાબો પગ ઘૂંટણની ઉપરથી કાપવો પડ્યો હોવાથી નીચે કોઈ કુદરતી ભાગ બચ્યો નથી. આ આર્ટિફિશ્યલ પગમાં ઘૂંટણની જગ્યાએ એક ખાસ મેકૅનિકલ જૉઇન્ટ બેસાડવામાં આવ્યો છે જે માનવઘૂંટણની જેમ વળી શકે છે અને લૉક પણ થઈ શકે છે. આ જૉઇન્ટની નીચે હળવા વજનનો કાર્બન ફાઇબર અથવા સ્ટીલનો રૉડ હોય છે અને સૌથી નીચે આર્ટિફિશ્યલ મૂવિંગ પંજો ફિટ કરેલો હોય છે જેના પર તેઓ શૂઝ પહેરી શકે છે. નેહા ઇન્સ્ટાગ્રામ પર ‘Össur India’ના હૅશટૅગનો ઉપયોગ કરે છે. આ વર્ષે તેઓ કંપનીનાં ઑફિશ્યલ બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બન્યાં છે. Össur ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક ઍથ્લેટ્સ માટે હાઈ-ટેક બ્લેડ અને પ્રોસ્થેટિક પગ બનાવવા માટે દુનિયાભરમાં જાણીતી છે. અત્યંત આધુનિક, માઇક્રોપ્રોસેસર-કન્ટ્રોલ્ડ કે પ્રીમિયમ કૅટેગરીના પગના સપોર્ટથી તેઓ કોઈ પણ મુશ્કેલી વગર ગરબા અને હાઈ-ઍલ્ટિટ્યુડ ટ્રેકિંગ કરી રહ્યાં છે. જોકે ટેક્નૉલૉજી ગમે એટલી ઍડ્વાન્સ હોય, મનોબળ સૌથી મોટું મેકૅનિઝમ છે.