હવે ગુજરાત પોલીસ બની પબ્લિક-ફ્રેન્ડ્લી

24 July, 2022 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિત શાહે ગુજરાતમાં e-FIR સર્વિસ લૉન્ચ કરી, લોકોએ ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે

ગાંધીનગરમાં ગઈ કાલે e-FIR સર્વિસ તેમ જ ગુજરાત પોલીસની અન્ય અદ્યતન ટેક્નૉલૉજિકલ સર્વિસને લૉન્ચ કરવાના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ.

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ગાંધીનગરમાં ગુજરાત પોલીસના ‘સિટિઝન ફર્સ્ટ’ ઍપ અને પૉર્ટલ ઉપર e-FIR સેવા લૉન્ચ કરી હતી. એ ઉપરાંત સીસીટીવી કૅમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાનું કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં માનવતસ્કરી અને બાળતસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે ૪૦ જીપ અને ૪૦ બાઇક મળી કુલ ૮૦ વાહનોનું ફ્લેગ ઑફ કરવામાં
આવ્યું હતું. એટલું જ નહીં, એક નવી પહેલ હેઠળ ગુજરાત પોલીસને ૧૦,૦૦૦ બૉડી વૉર્ન કૅમેરા પણ આપવામાં
આવ્યા છે.
વાહનચોરી અને મોબાઇલચોરી જેવા બનાવોમાં નાગરિકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ન થાય અને આવી ફરિયાદ કરવા માટે નાગરિકોને પોલીસ-સ્ટેશનોના ધક્કા ન ખાવા પડે તે માટે e-FIRની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્યના નાગરિકોએ આ સેવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત પોલીસની ‘સિટિ​ઝન ફર્સ્ટ’ ઍપ અથવા પૉર્ટલ ઉપર જવાનું રહેશે અને તેમાં e-FIR કરવાની રહેશે. e-FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરશે અને વાહનચોરી/મોબાઇલ ફોનચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ​રિપોર્ટ મોકલશે.
આ ઑનલાઇન ફરિયાદ નોંધાયા વિશેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરિયાદીને ઈ-મેઇલ કે એસએમએસથી કરવામાં આવશે. સાથે-સાથે પોલીસ દ્વારા વીમા કંપનીને પણ ઈ-મેઇલ કે એસએમએસ દ્વારા જાણ કરાશે, જેથી ફરિયાદીને તેના વાહન/મોબાઇલચોરી વિશેના વીમાનો ક્લેઇમ સરળતાથી મળી શકે. e-FIR ઑનલાઇન સેવા હોવાથી લોકોને પોલીસ-સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવાની જરૂર નહીં રહે. 
e-FIR નોંધાય એટલે એની જાણ સીસીટીવી કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટરને થાય છે, જેથી બાદમાં જ્યારે પણ ચોરાયેલાં વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે તે વાહન નંબર સીસીટીવી કમાન્ડ ઍન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફલૅશ થશે અને તેના થકી ચોરીનું વાહન અને આરોપીની ઓળખ થઈ શકવાથી ગુનો જલદી
ઉકેલી શકાશે.

gujarat news amit shah