26 June, 2026 11:49 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સૌરાષ્ટ્રમાં સિંહ દ્વારા માણસો પર વધુ એક હુમલાની ઘટનાથી સૌરાષ્ટ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા ચતુરી ગામે બુધવારની રાતે એક સિંહણ વીજળીક વેગે આવીને પાંચ વર્ષના બાળક પર હુમલો કરીને ખેંચીને લઈ જતાં બાળકનું મોત થયું હતું. આ કમકમાટી ઊપજાવે એવી ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે તો બીજી તરફ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
ચતુરી ગામે રહેતો પાંચ વર્ષનો જિયાન રાત્રે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના અંધકાર વચ્ચે અચાનક સિંહણે હુમલો કર્યો હતો. સિંહણથી બચવા માટે દાદા અને પૌત્રે પ્રયાસો કર્યા હતા. દાદા અને પૌત્ર કંઈ સમજે એ પહેલાં તો ઘાતક બનેલી સિંહણે જિયાન પર હુમલો કરીને દાદાની નજરની સામે તેને ખેંચીને જંગલ તરફ નાસી ગઈ હતી. આ ઘટનાથી હતપ્રભ બની ગયેલા દાદાએ પોતાના પૌત્રને બચાવી લેવા માટે ચીસો પાડીને મદદ માગી હતી. દાદાની બૂમોથી ગામલોકો દોડી આવ્યા હતા અને લોકોએ જંગલ વિસ્તારમાં બાળકની શોધખોળ કરી હતી. જોકે કમનસીબ બાબત એ બની કે ગામથી એક કિલોમીટર દૂર જિયાનનો લોહી નીકળતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
વન્ય પ્રાણીઓ દ્વારા થયેલા હુમલાની પાંચમી ઘટના
છેલ્લા એક મહિનામાં સિંહ સહિતનાં વન્યપ્રાણીઓના માણસો પરના હુમલાની પાંચમી ઘટના બની છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ, સાવરકુંડલા, રાજુલા અને ખાંભા તેમ જ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં માણસો પર વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ બની છે જેમાં ચાર કેસમાં માણસોનાં મૃત્યુ થયાં હોવાની વિગતો બહાર આવી છે.
વનવિભાગે આૅપરેશન હાથ ધરીને પકડ્યા પાંચ સિંહ
આ ઘટનાની જાણ થતાં ધારી ગીર પૂર્વના વન વિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે ખાંભા હૉસ્પિટલમાં મોકલાયો હતો. બાળકના અવશેષોને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ વન વિભાગ દ્વારા તુલસીશ્યામ રેન્જ હેઠળના ચતુરી રેવન્યુ વિસ્તારમાં વન્યપ્રાણીઓને પકડવા મેગા ઑપરેશન હાથ ધરાયું હતું. ઘટનાસ્થળ નજીક બે વન્યપ્રાણી હાજર હતાં જેમાંથી એક સિંહણને બેભાન કરીને પાંજરામાં પૂરી હતી. આખી રાત ચાલેલા ઑપરેશનમાં પાંચ સિંહોને પકડીને પાંજરામાં પૂર્યા હતા. એક સિંહ દ્વારા કરાયેલી ઊલટીમાંથી બાળકના અવશેષો મળી આવ્યા છે. પકડાયેલા સિંહોનાં સૅમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવશે.
માથા પર અને પાછળના પગ પર મળી આવ્યાં ઈજાનાં નિશાન: એક ફરાર વ્યક્તિ શંકાના ઘેરામાં
જૂનાગઢ પાસે આવેલા રબારી નેસ વિસ્તારમાંથી બુધવારે સિંહબાળની ડેડ-બૉડી મળી આવી હતી. આ સિંહબાળના માથા અને પગમાં થયેલી ઈજા પરથી એનું મોત નિપજાવવામાં આવ્યું હોવાની શંકા વનવિભાગે વ્યક્ત કરીને એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. સિંહબાળ પર જે રીતે ઈજાનાં નિશાનો છે એના કારણે સિંહબાળ પર અત્યંત નિર્દય રીતે હુમલો કરાયો હોવાની શંકા સેવાઈ રહી છે. વનવિભાગે ઘટનાસ્થળેથી પુરાવાઓ એકઠા કર્યા છે. સિંહબાળને થયેલી ઈજાઓને લઈને એના મૃતદેહનું જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ત્રણ વેટરિનરી ડૉક્ટરોની પૅનલે પોસ્ટમૉર્ટમ કર્યું હતું. આ ઘટનાની વન વિભાગ અને પોલીસે તપાસ કરતાં એક શંકાસ્પદ વ્યક્તિની જાણકારી મળી છે જેનો મોબાઇલ ફોન બે દિવસથી સ્વિચ્ડ ઑફ છે અને તે ફરાર છે. તેને શોધવાનો પ્રયાસ ચાલુ છે.