અમૂલ દૂધની કિંમતોમાં એક વર્ષમાં આઠ રૂપિયાનો વધારો

04 February, 2023 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતિ લિટર ત્રણ રૂપિયા સુધીનો નવો વધારો કરાયો

ફાઈલ ફોટો


આણંદ (પી.ટી.આઇ.)ઃ અમૂલ બ્રૅન્ડ નેમ હેઠળ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને ગઈ કાલે દૂધની કિંમતોમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. કેન્દ્રીય બજેટમાં સરકારે કેટલીક રાહતો આપી છે, પરંતુ દૂધની કિંમતોમાં આ વધારો અનેક પરિવારોનું બજેટ ખોરવી નાંખશે. આણંદમાં મુખ્યાલય ધરાવતા આ ફેડરેશનના મૅનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે દૂધની કિંમતોમાં આ વધારો ગુજરાતમાં લાગુ નહીં થાય. 
તેમણે જણાવ્યું હતું કે ‘અમે ગુજરાત સિવાયની દિલ્હી, કલકત્તા અને મુંબઈ જેવી માર્કેટ્સ માટે દૂધની કિંમતોમાં વધારો કર્યો છે. હાલના તબક્કે ગુજરાતમાં દૂધની કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.’ 
આ નવી કિંમતો ગઈ કાલે સવારથી જ લાગુ થઈ ગઈ છે. કિંમતોમાં આ વધારા સાથે અમૂલ તાઝા દૂધના એક લિટર પાઉચની કિંમત હવે ૫૪ રૂપિયા થઈ છે જ્યારે અમૂલ ગોલ્ડના એક લિટરના પાઉચની કિંમત ૬૬ રૂપિયા છે. ગાયના દૂધના એક લિટર પાઉચની કિંમત ૫૬ રૂપિયા, જ્યારે અમૂલ એ2 બફેલો મિલ્કના પાઉચની કિંમત ગઈ કાલથી ૭૦ રૂપિયા થઈ ગઈ છે. આ ભાવવધારા બાદ કૉન્ગ્રેસે સરકારની ટીકા કરતાં એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘છેલ્લા એક વર્ષમાં અમૂલ દૂધની કિંમતોમાં આઠ રૂપિયાનો વધારો થયો છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર ૫૮ રૂપિયા હતો, જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૩માં અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર ૬૬ રૂપિયા થયો છે. અચ્છે દિન?’

gujarat news gujarat