05 October, 2024 09:15 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
૧૫૦ કિલો ઘીમાંથી બનાવેલી મહાકાળી માતાની મૂર્તિ. (તસવીર - જનક પટેલ)
નવરાત્રિ શરૂ થઈ છે ત્યારે ગુજરાતમાં અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી ભંડેરી પોળમાં ૧૫૦ કિલો ઘીમાંથી સાડાપાંચ ફુટ ઊંચી બનાવેલી મહાકાળી માતાની મૂર્તિ માઈભક્તોમાં આધ્યાત્મિક આકર્ષણનું કેન્દ્ર બની છે.
વારાહી માતા મિત્રમંડળના દિલીપ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ત્રીસ વર્ષથી અમે દર વર્ષે ઘીમાંથી અલગ-અલગ માતાજીની મૂર્તિ બનાવીએ છીએ. આ ૩૧મું વર્ષ છે, જેમાં અમે મહાકાળી માતાની મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ બનાવવામાં ૧૫૦ કિલો ઘીનો ઉપયોગ થયો છે. આણંદ પાસે મોગરી ગામના ગોપાલ મિસ્ત્રીએ માત્ર ૪૮ કલાકમાં જ આ મૂર્તિ બનાવી હતી. આ ઘીની મૂર્તિ હોવાથી એની ખાસ જાળવણી રાખવી પડે છે. મૂર્તિને સાચવવા માટે રોજ ૬૦૦ કિલો બરફનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત દર બે કલાકે બરફનું ચિલ્ડ પાણી બનાવીને માતાજીની મૂર્તિ પર અભિષેક કરવામાં આવે છે. આ ઉપરાંત ગરમી અંદર ન આવે એ માટે જ્યાં મૂર્તિ મૂકી છે એ સ્ટેજ થર્મોકૉલથી બનાવ્યું છે.’
ભોપાલમાં અયોધ્યાનું આબેહૂબ રામ મંદિર
મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલની બિટ્ટન માર્કેટમાં નવરાત્રિની ઉજવણીમાં અયોધ્યાના રામ મંદિરની થીમ પર ભવ્ય પંડાલ બનાવવામાં આવ્યો છે.