18 August, 2026 01:03 PM IST | Anand | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ જેમિની)
ગુજરાત (Gujarat) ના આણંદ (Anand) જિલ્લાના ખંભાત (Khambhat) તાલુકામાં આવેલા વટાદરા (Vatadra) અને વટ્રા (Vatra) ગામની સીમમાં ઝેરી ગેસનું ગળતર (Anand Gas Leak) થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. કથિત રીતે ખુલ્લામાં ઝેરી ગેસ છોડાવાના કારણે સામાન્ય જનજીવન, પશુ-પક્ષીઓ અને ખેતરોમાં ઉભેલા પાકને ભારે નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં આશરે ૨૦૦ જેટલા જંગલી બબ્લર પક્ષીઓના તડપી-તડપીને મોત થયા છે.
ઝેરી વાયુ ફેલાવાના કારણે આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલ બંને વટાદરા અને વટ્રા ગામના લોકોને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ, ગૂંગળામણ અને આંખોમાં તીવ્ર બળતરાની ફરિયાદો ઉઠી છે. ઘણા લોકોને સતત ઉલટીઓ થઈ રહી છે. ગેસની તીવ્ર દુર્ગંધ એટલી ભયાનક હતી કે આસપાસના અનેક ગામોમાં ભય અને દહેશતનો માહોલ સર્જાયો છે.
ગેસ ગળતરનો સૌથી મોટો ફટકો સ્થાનિક ખેડૂતોને પડ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, હવામાં ઝેરી વાયુ ભળવાના કારણે ખેતરોમાં લહેરાતો લીલોછમ ડાંગરનો પાક સંપૂર્ણપણે પીળો પડીને બળી ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે ૪૦૦ થી ૫૦૦ વીઘા વિસ્તારમાં ફેલાયેલા પાકને વ્યાપક નુકસાન થયું છે.
ઘટના સમયે અસરગ્રસ્ત વિસ્તારમાં વૃક્ષો પર બેઠેલા પક્ષીઓ અચાનક તડપીને જમીન પર પડવા લાગ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને ગ્રામજનોએ તાત્કાલિક પ્રાંત અધિકારી અને મામલતદારને ઇમેઇલ મારફતે લેખિત ફરિયાદ મોકલીને દોષિત કંપનીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ખંભાતના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (Range Forest Officer - RFO) દેસાઈએ જણાવ્યું હતું કે મૃત પક્ષીઓના શબ વન વિભાગે કબજે કરીને તાત્કાલિક પશુ હોસ્પિટલ મોકલી આપ્યા છે. પશુ તબીબી અધિકારી ડૉ. રુચિક આંજણાની વિશેષ તબીબોની પેનલે પક્ષીઓનું પોસ્ટમોર્ટમ કર્યું છે અને મોતનું સાચું કારણ જાણવા માટે વિસરા સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (Forensic Science Laboratory - FSL) મોકલી આપ્યા છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Gujarat Pollution Control Board - GPCB), આણંદના પ્રાદેશિક અધિકારી પવન શર્માએ જણાવ્યું કે, વિભાગની ટેકનિકલ ટીમે ઘટનાસ્થળનું સઘન નિરીક્ષણ કર્યું છે. ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની હવા (એમ્બિયન્ટ એર) ની સાથે આસપાસની શંકાસ્પદ કંપનીઓની ચિમનીઓમાંથી નીકળતા ધુમાડાના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો વિગતવાર અહેવાલ આવ્યા બાદ જ પક્ષીઓના મોત અને પાકના નુકસાનનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે. તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારી દોષિત ફેક્ટરીઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.