માનવીય અભિગમ સાથે આવું પણ બની શકે

21 January, 2026 10:42 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ તોડીને વિસ્થાપિતો માટે શેલ્ટર હાઉસમાં કરી વ્યવસ્થા

વટવા વાનરવટ તળાવની ફરતે થયેલાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવીને જગ્યા ખુલ્લી કરવામાં આવી. વિસ્થાપિતોને બસમાં બેસાડીને શેલ્ટર હાઉસમાં લઈ જવાયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પોલીસ સહિત ૭૦૦ કર્મચારીઓના કાફલા સાથે વટવા વાનરવટ તળાવની ફરતે અનધિકૃત બાંધકામ પર બુલડોઝર ફેરવીને ખુલ્લી કરી ૫૪,૮૮૩ ચોરસ મીટર જગ્યા

અમદાવાદમાં ચંડોળા, ઈસનપુર બાદ ગઈ કાલે વટવા વિસ્તારમાં આવેલા વાનરવટ તળાવ પર થયેલાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યાં હતાં. તળાવ અને એની આસપાસના વિસ્તારમાંથી કુલ ૫૪,૮૮૩ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી હતી. ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવીને કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને માનવીય અભિગમ સાથે વિસ્થાપિત થયેલા લોકોને રહેવા માટે શેલ્ટર હાઉસમાં જગ્યા કરી આપી છે.    

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના દક્ષિણ ઝોનમાં વટવા વિસ્તારમાં આવેલા વાનરવટ તળાવની આસપાસ કાચાં અને પાકાં દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારે ૮ વાગ્યાથી એસ્ટેટ, હેલ્થ, ફાયર વિભાગના ૩૦૦ અને ૪૦૦ પોલીસના કાફલા સાથે કુલ ૭૦૦ જેટલા અધિકારીઓ સહિતના કર્મચારીઓએ ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તળાવની ફરતે દબાણો હોવાથી ચાર બ્લૉકમાં ૧૦ બુલડોઝરની મદદથી દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી. વાનરવટ તળાવ વિસ્તારમાંથી ૪૫૦ જેટલાં કાચાં-પાકાં રહેણાક અને વેપારી દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં. આ દબાણો દૂર કરીને કુલ ૫૪,૮૮૩ ચોરસ મીટર તળાવ તથા રિઝર્વ પ્લૉટની જગ્યા સાથે ૭૭૦ મીટર લંબાઈનો રોડ ખુલ્લો કર્યો હતો. 

સીમંતનો પ્રસંગ કરવા દીધો 

ગેરકાયદે બાંધકામ હટાવતી વખતે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમના ધ્યાનમાં આવ્યું હતું કે એક વ્યક્તિના ઘરે સીમંતનો પ્રસંગ છે. એ પ્રસંગને લીધે ઘરે મહેમાનો આવી ગયા હતા અને તેમને માટે રસોઈની તૈયારી ચાલતી હતી. ગેરકાયદે બાંધકામો તોડવા ગયેલી ટીમે જેમને ત્યાં સીમંતનો પ્રસંગ હતો તેમને પ્રસંગ કરવા દીધો હતો અને એટલા ઘર પૂરતું ડિમોલિશન અટકાવી દીધું હતું જેને લીધે સીમંતનો પ્રસંગ સુખરૂપ પાર પડ્યો હતો. જેમને ત્યાં પ્રસંગ હતો તેમને કૉર્પોરેશનના માનવીય અભિગમની સરાહના કરી હતી. 

gujarat news gujarat police gujarat ahmedabad municipal corporation ahmedabad