ભીડ આવી, વોટ આવશે?

03 April, 2022 08:27 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં આપની ડિટ્ટો બીજેપી સ્ટાઇલ : અમદાવાદની પ્રચંડ રૅલીમાં અરવિંદ કેજરીવાલે મોદીની કૉપી કરી

અમદાવાદમાં ગઈ કાલે આમ આદમી પાર્ટીએ તિરંગા ગૌરવ યાત્રા યોજી હતી. એમાં મોટી સંખ્યામાં કાર્યકરો તિરંગા સાથે આવ્યા હતા અને વાતાવરણમાં રાષ્ટ્રવાદનો માહોલ ઊભો થયો હતો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગઈ કાલે અમદાવાદમાં આવ્યા અને ડિટ્ટો બીજેપીની કૉપી કરી. તિરંગા લહેરાવ્યા અને રીતસરનો દેશભક્તિનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં જ લોકોને પ્રશ્નો પૂછ્યા. જોકે સવાલ સવા લાખનો એ છે કે બીજેપીની જેમ મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી કરી શકનારા કેજરીવાલ ગુજરાતમાંથી આટલી મોટી સંખ્યામાં વોટ પણ મેળવી શકશે ખરા?

આકરા તાપમાં નીકળેલી તિરંગા ગૌરવ યાત્રામાં ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના હજ્જારો કાર્યકરો તિરંગા સાથે જોડાતાં નિકોલથી યોજાયેલી યાત્રામાં ચારે તરફ તિરંગા લહેરાતા જોવા મળ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સભામાં જેમ લોકોને પ્રશ્ન કરતા હોય એમ કેજરીવાલે પણ યાત્રા પહેલાં લોકોને પ્રશ્નો પૂછીને જવાબ મેળવ્યા હતા. કેજરીવાલે લોકોને ગુજરાતીમાં પૂછ્યું, ‘કેમ છો, મજામાં.’ 
કેજરીવાલે આવો પ્રશ્ન કરતાં યાત્રામાં જોડાયેલા લોકોએ હા પાડી હતી. ત્યારે કેજરીવાલે કહ્યું કે ‘૨૫ વર્ષ અહીં થઈ ગયાં બીજેપીને, પણ ભ્રષ્ટાચાર ખતમ ન થયો. હું અહીં કોઈ પાર્ટીની બુરાઈ કરવા નથી આવ્યો. મારી મકસદ અહીં આવવાની બીજેપી–કૉન્ગ્રેસને હરાવવાની નથી, હું ગુજરાતને જિતાડવા આવ્યો છું. ગુજરાતીઓને જિતાડવા આવ્યો છું. ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવાનો છે.’

 

gujarat gujarat elections aam aadmi party arvind kejriwal gujarat news shailesh nayak