ચાર રાજ્યોમાં કમળ ખીલતાં કમલમમાં જીતનો જશન

11 March, 2022 11:28 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલે એકબીજાનાં મોં મીઠાં કરાવી વિજયોત્સવ મનાવ્યો, અમદાવાદ બીજેપીની ઑફિસ પાસે કાર્યકરો અને આગેવાનોએ ફટાકડા ફોડીને વિજય મનાવ્યો

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કમલમમાં ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલનું મોં મીઠું કરાવીને વિજયની ખુશી વ્યક્ત કરી હતી.

ચાર રાજ્યોમાં બીજેપીને મળેલી જીતના કારણે ગુજરાતમાં બીજેપીના હેડ ક્વૉર્ટર કમલમમાં આગેવાનો અને કાર્યકરોએ એકઠા થઈને જીતનો જશન મનાવ્યો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલે એકબીજાના મોં મીઠા કરાવી વિજયોત્સવ મનાવ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં બીજેપી કચેરી પાસે કાર્યકરો અને આગેવાનોએ ફટાકડા ફોડીને વિજય મનાવ્યો હતો.

ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં બીજેપીનો વિજય થતાં ગાંધીનગર પાસે આવેલા બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ઊજવ્યો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘બીજેપીએ ચાર રાજ્યોમાં જીત મેળવી છે. બીજેપીએ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે લોકસેવાનાં કાર્યો કર્યાં છે અને જનતાનો વિશ્વાસ ફરી મેળવ્યો છે એ બદલ બીજેપીના દરેક કાર્યકરોને અભિનંદન.’

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલે ચાર રાજ્યોમાં જીત મળ્યા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે ‘ચાર રાજ્યોમાં બીજેપીનો ભગવો ફરી વધુ તાકાતથી લહેરાયો છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે ગુજરાત સહિત ભારતમાં સામાન્ય લોકો માટે લાભદાયી યોજનાઓ બનાવી છે અને યુપીમાં મોદી–યોગીની જોડીએ કેન્દ્ર સરકાર અને યુપી સરકારે સામાન્ય માણસ માટે જે યોજનાઓ પ્રજા સમક્ષ મૂકવાનો સફળ પ્રયત્ન કર્યો છે જેમાં બીજેપીના કાર્યકરોની મહેનતના કારણે ફરી નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતાએ વિશ્વાસ મૂક્યો છે અને ભવ્ય જીત અપાવી છે.’

અમદાવાદ બીજેપીના મીડિયા કન્વીનર વિક્રમ જૈને કહ્યું હતું કે ‘ખાનપુરમાં આવેલા બીજેપી કાર્યાલય ખાતે ગઈ કાલે મોટી સંખ્યામાં બીજેપીના હોદ્દેદારો અને કાર્યકરો એકઠા થયા હતા અને ઢોલ-નગારા-ત્રાંસા વગાડીને આતશબાજી કરીને ગુલાલની છોળો ઉડાડીને વિજયની ઉજવણી કરીને વિજયને વધાવ્યો હતો.’ 

સત્તા આવી, સીએમ હાર્યા : ઉત્તરાખંડમાં બીજેપી જીતી, ધામી હારી ગયા

ઉત્તરાખંડની ચૂંટણીમાં બીજેપીને શાનદાર જીત મળી છે. જોકે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી કૉન્ગ્રેસના ઉમેદવાર ભુવન કાપરી સામે હારી ગયા છે. શાસક બીજેપીએ ઉત્તરાખંડમાં સત્તાવાપસી કરી છે. ધામીને વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે જ રજૂ કરાયા હતા કેમ કે પાર્ટી આ ડાયનૅમિક નેતા માટે પાંચ વર્ષની પૂરી મુદત ઇચ્છતી હતી. જોકે ધામીની હારના કારણે કદાચ પાર્ટી તેમને સીએમ પદ માટે પસંદગી ન પણ કરે. બીજેપીએ આ રાજ્યમાં સળંગ બે વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે જે છેલ્લાં ૨૧ વર્ષના ઇતિહાસમાં કદી બન્યું નથી. 

gujarat gujarat news assembly elections bharatiya janata party shailesh nayak