05 July, 2026 07:52 AM IST | Pavagadh | Gujarati Mid-day Correspondent
પાવાગઢ
મધ્ય ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા જવા હવેથી રાતે ડુંગર નહીં ચડી શકાય. ચોમાસાની સીઝનમાં યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાવાગઢના માંચીથી મહાકાળી માતાજીના મંદિર ડુંગર ચડીને અગણિત માઈભક્તો માતાજીનાં દર્શન કરવા જતાં હોય છે, પરંતુ તાજેતરમાં પાવાગઢ ડુંગર પરથી પથ્થર પડવાની ઘટના બન્યા બાદ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માંચીથી ઉપર માતાજીના મંદિર સુધીનો રસ્તો તાત્કાલીક અસરથી રાતે ૧૦થી વહેલી પરોઢે ૪ વાગ્યા સુધી બંધ રહેશે. ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અે માટે થઈને પાવાગઢ ડુંગરનો માર્ગ રાતે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.