૧૭ બંગલાદેશીઓને ખોટા પાસપોર્ટ બનાવી આપ્યા આ બંગલાદેશી ઘૂસણખોરે

15 May, 2025 08:28 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ભારતીય બનીને અમદાવાદમાં રહેતા બંગલાદેશી રાણા સરકારને ATSએ ઝડપી લીધો

ATSના હાથે ઝડપાયેલો બંગલાદેશનો મોહમ્મદ દિદારુલ આલમ ઉર્ફે રાણા સરકાર.

ગુજરાત ઍન્ટિ ટેરરરિઝમ સ્ક્વૉડ (ATS)ને મળેલી બાતમીના આધારે અમદાવાદમાં તપાસ કરીને ગેરકાયદે બંગલાદેશીઓને બનાવટી દસ્તાવેજના આધારે ભારતનો પાસપોર્ટ અને ભારતનું નાગરિકત્વ અપાવતા અને ભારતીય બનીને અમદાવાદમાં રહેતા બંગલાદેશી મોહમ્મદ દિદારુલ આલમ ઉર્ફે રાણા સરકારને ઝડપી  લેવાયો છે. અત્યાર સુધીમાં આ બંગલાદેશી ઘૂણસખોરે બીજા ૧૭ બંગલાદેશીઓને ખોટા ડૉક્યુમેન્ટ્સથી ભારતના પાસપોર્ટ બનાવી આપ્યા છે. આ ગોરખધંધામાં સામેલ શોએબ મોહમ્મદ કુરેશીને પણ પકડી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપી રોબ્યુલ ઇસ્લામ સાઉથ કોરિયામાં છુપાયેલો છે. ATSએ બન્નેની દુકાનોમાં તપાસ કરતાં ૩૦૦થી વધુ ઝેરોક્સ અને ડૉક્યુમેન્ટ મળી આવ્યાં છે તેમ જ અમદાવાદના ત્રણ કૉર્પોરેટરોનાં લેટરપેડ પણ મળી આવ્યાં છે જેનો ઉપયોગ તેઓ કરતા હતા.  

રાણા સરકાર બંગલાદેશના કિશોરગંજ જિલ્લાના ઉત્તર ગોવિંદપુરનો છે જે ૨૦૧૨માં બૉર્ડર ક્રૉસ કરીને ભારતમાં ઘૂસ્યો હતો અને શિલિગુડી, હાવડા, તામિલનાડુ, બૅન્ગલોર અને મુંબઈ થઈને ૨૦૧૫માં અમદાવાદ આવ્યો હતો. ૨૦૧૭માં તેણે પાસપોર્ટ બનાવ્યો હતો. 

gujarat news gujarat ahmedabad bangladesh Crime News Gujarat Crime