10 February, 2026 09:50 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં પહેલી વાર કચ્છનાં ૨૮૧ ગામનાં ૯૧૦ તળાવોને રેવન્યુ રકૉર્ડ પર લાવીને બ્યુટિફિકેશન, જળ સંચય અને સંરક્ષણની કામગીરી કરવામાં આવી છે. આ ઝુંબેશમાં તળાવો અને વૉટરબૉડીને સત્તાવાર દરજ્જો આપતાં પહેલાં એના ક્ષેત્રફળની માપણી કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં તળાવોના ક્ષેત્રફળને લઈને કોઈ વાદવિવાદ ઉપસ્થિત ન થાય અને સત્તાવાર દરજ્જા બાદ તળાવના સંરક્ષણ અને સંવર્ધનનાં કામનું અમલીકરણ કરી શકાય.
આ કાર્યવાહીથી તળાવના ક્ષેત્રફળમાં દબાણ, ગેરકાયદે કબજા સહિતની પ્રવૃત્તિઓ અટકશે. ભુજમાં ૨૧ તળાવોને સંબંધિત ઑથોરિટીને સોંપવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. કચ્છના મહેસૂલી તંત્રની ઝુંબેશે તળાવોને સત્તાવાર દરજ્જો આપીને વિકાસાધીન બનાવ્યાં છે. આ ઝુંબેશને કારણે આગામી સમયમાં સૌથી મોટો ફાયદો ભૂગર્ભ જળમાં સુધારા બાબતે થશે. આસપાસના વિસ્તારના ટ્યુબવેલ, બોરવેલ અને કૂવાઓના જળસ્તર ઊંચા આવશે.