દબદબાભેર ઊજવાયો અમદાવાદનો બર્થ-ડે, નગરદેવી ભદ્રકાળી માતાજીની યોજાઈ નગરયાત્રા

27 February, 2026 08:35 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

શહેરનો પાયો જ્યાં નખાયો હતો એ માણેક બુર્જ ખાતે મેયર પ્રતિભા જૈને કર્યું પૂજન-અર્ચન : મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા નગરયાત્રામાં : પોલીસ દ્વારા માતાજીને આપવામાં આવ્યું ગાર્ડ ઑફ ઑનર

નગરયાત્રા

ગુજરાતના વડા મથક અમદાવાદનો ૬૧૫મો બર્થ-ડે ગઈ કાલે દબદબાભેર ઊજવાયો હતો. અમદાવાદના સ્થાપના-દિવસ નિમિત્તે શહેરનાં નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરથી નગરયાત્રા યોજાઈ હતી. શહેરનાં મેયર પ્રતિભા જૈન અને સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણી સહિતના આગેવાનોએ માતાજીનાં દર્શન કરીને નગરજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નગરયાત્રા પહેલાં માતાજીની મૂર્તિને વૈદિક મંત્રોચ્ચાર સાથે પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ વાજતે-ગાજતે નગરયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. નગરયાત્રા નીકળી ત્યારે પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. નગરયાત્રામાં ગજરાજ અને ભજન-મંડળીઓ જોડાયાં હતાં. અખાડિયનોએ હેરતઅંગેજ કરતબો બતાવ્યાં હતાં. ‘જય ભદ્રકાળી માતાજી’ના જયઘોષ સાથે શહેરીજનોએ યાત્રાને ઠેર-ઠેર વધાવી હતી. અમદાવાદ શહેરનો પાયો જ્યાં નખાયો હતો એ માણેક બુર્જ ખાતે મેયર પ્રતિભા જૈને પૂજન-અર્ચન કર્યું હતું. માણેક બુર્જ ખાતે નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અમદાવાદના બર્થ-ડેને સેલિબ્રેટ કર્યો હતો. અમદાવાદના વિશ્વવિખ્યાત માણેકચોકમાં આવેલી ગુરુ માણેકનાથજીની સમાધિ ખાતે પરંપરાગત આરતી અને પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. તસવીરો : જનક પટેલ

gujarat news gujarat ahmedabad happy birthday culture news religious places