07 November, 2026 11:04 AM IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent
ફૈઝલ ખાટકી
સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગરના સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસ-સ્ટૅન્ડમાં પોતાની લિવ-ઇન પાર્ટનર કાજલ બારૈયાને પછાડી-પછાડીને જાનથી મારી નાખનાર ફૈઝલ ખાટકીને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફરમાવી છે. ભાવનગરમાં આ સંભવિત રીતે પહેલી વાર બન્યું છે કે પોલીસે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ કોર્ટે ૩૧ દિવસમાં ચુકાદો જાહેર કર્યો હોય.
ફૈઝલ ખાટકીએ તેની લિવ-ઇન પાર્ટનર કાજલ બારૈયા પર આડા સંબંધની શંકા રાખીને આ વર્ષની ત્રીજી સપ્ટેમ્બરે તેની હત્યા કરી હતી. આ ઘટના ST બસ-સ્ટૅન્ડના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ હતી. પોતાની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીને ક્રૂરતાપૂર્વક અને નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારનાર ફૈઝલ ખાટકી સામે પોલીસે ૪ સપ્ટેમ્બરે ગુનો નોંધ્યો હતો અને ઝડપી લીધો હતો. આરોપી સામે પોલીસે કાર્યવાહી કરીને ૪ ઑક્ટોબરે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ કેસમાં ગુરુવારે કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો જેમાં આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફીક લાખાણીને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા કરવામાં આવી હતી.