ભૂપેન્દ્ર પટેલે માતૃભાષામાં સંબોધન કરી ગુજરાતી ભાષાની ગરિમા વધારી

06 January, 2022 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટમાં દેશ-વિદેશના એજ્યુકેશન તજજ્ઞો, ગુજરાતના શિક્ષણપ્રધાને અંગ્રેજીમાં, જ્યારે મુખ્ય પ્રધાને ગુજરાતી ભાષામાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું

ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ : ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગઈ કાલે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટમાં દેશ-વિદેશના મહાનુભાવો અને ડેલિગેટ્સની ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માતૃભાષા ગુજરાતીમાં સંબોધન કરી ગુજરાતી ભાષાની ગરિમા વધારી હતી.
સાયન્સ સિટીમાં ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બે દિવસના ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑફ ઍકૅડેમિક ઇન્સ્ટિટ્યુશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમારોહમાં દેશ-વિદેશના એજ્યુકેશનના તજજ્ઞો તેમ જ ગુજરાતના શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું, પરંતુ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઇન્ટરનૅશનલ અને નૅશનલ ડેલિગેટ્સ સામે અંગ્રેજીમાં નહીં પરંતુ ગુજરાતીમાં ભાષણ આપીને ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું. તેમણે બેધડક પોતાની માતૃભાષાને વળગી રહીને મહેમાનોને સંબોધન કર્યું હતું જે સરાહનીય ઘટના બની રહી. જોકે તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે સમારોહ હૉલમાં મુકાયેલી જુદી-જુદી સ્ક્રીનમાં એનો અંગ્રેજી અનુવાદ સ્ક્રૉલ થતો હતો.
વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટમાં ત્રણ હજાર ડિશ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તૈયાર કરાયાં હતાં.

gujarat gujarat news bhupendra patel