ભૂપેન્દ્ર પટેલને મળ્યું નવુંનક્કોર પ્રધાનમંડળ

17 September, 2021 05:53 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં પહેલી વાર ‘નો રિપીટ થિયરી’વાળું પ્રધાનમંડળ ઃ ૧૦ કૅબિનેટ પ્રધાનો સહિત કુલ ૨૪ પ્રધાનોમાં રૂપાણી સરકારના એકેય મિનિસ્ટરને સ્થાન નહીં

ગાંધીનગરમાં શપથવિધિ બાદ ગર્વનર આચાર્ય દેવવ્રત, નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમ જ નવા પ્રધાનો. આ સાથે ગુજરાતના શાસનમાં નવા પ્રકરણની શરૂઆત થઈ છે.

ભારતીય જનતા પક્ષ (બીજેપી-ભાજપ) ગુજરાતને ‘નો રિપીટ થિયરી’ની પ્રયોગશાળા બનાવી રાજનીતિ ક્ષેત્રે લિટમસ ટેસ્ટ કરતા ગુજરાતમાં સૌપ્રથમ વાર નો રિપીટ ફૉર્મ્યુલા સાથે ગઈ કાલે પ્રધાનમંડળની રચના કરી હતી, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૨૪ પ્રધાનોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
ગાંધીનગર ખાતે રાજભવનમાં ગઈ કાલે યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંડળના કૅબિનેટ કક્ષાના ૧૦, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા પાંચ અને રાજ્ય કક્ષાના ૯ પદનામિત પ્રધાનોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કુલ ૨૪ પ્રધાનોને રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા, જેમાં વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને રિપીટ કરાયા નથી.
ગુજરાતની રાજનીતિમાં આવું પહેલી વાર બન્યું છે કે કોઈ એક જ પાર્ટીની સરકારમાં બધા જ નવા મુખ્ય પ્રધાન આવ્યા બાદ તેમના અગાઉના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના પ્રધાનમંડળમાંથી એક પણ પ્રધાનને ન રાખીને પહેલી વાર આખી કૅબિનેટ બદલાઈ હોય. આવું કરવા પાછળ એવું ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાતમાં કોરોનાને લઈને નાગરિકોમાં બહુ રોષ જોવા મળ્યો હતો. ગુજરાતમાં લગભગ સવા વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ રોષને ખાળવા માટે નવા ચહેરાને આગળ કરી રોષ ખાળીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરવામાં આવશે. નવા ચહેરા નિર્ભિક રીતે પ્રજા વચ્ચે જઈ શકશે અને સરકારની વાત મૂકી શકશે.
ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળ માટે ‘રાત ઓછી ને વેશ ઝાઝા’ જેવી સ્થિતિ છે. નવી ટીમમાં રાજેન્દ્ર ત્રિવેદી, રાઘવજી પટેલ, કિરીટસિંહ રાણા જેવા કેટલાક અનુભવીઓ છે જેઓ રૂપાણી અગાઉની સરકારમાં પ્રધાનપદે હતા. પૂર્ણેશ મોદી અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંસદીય સચિવ રહી ચૂક્યા છે.
જોકે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના બાકીના મોટા ભાગના પ્રધાનો નવા છે એટલે નવા પ્રધાનોએ એકડો ઘૂંટવો પડશે. ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં બે મહિલા સભ્યો - મનીષા વકીલ અને નિમિષા સુથારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે કૉન્ગ્રેસ છોડીને બીજેપીમાં આવેલા રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા અને જિતુ ચૌધરીને પ્રધાન બનાવાયા છે.
નવા પ્રધાનમંડળમાં બ્રાહ્મણ, જૈન, પાટીદાર, ક્ષત્રિય, આદિવાસી, કોળી તેમ જ ઓબીસી સમાજમાંથી પ્રતિનિધિત્વ ફાળવવામાં આવ્યું છે.
શપથવિધિ સમારોહમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના ભૂતપૂર્વ પ્રધાનો તેમ જ કાર્યકરો, નવા પ્રધાનમંડળના સભ્યોના પરિવારજનો અને શુભેચ્છકો પણ ઉપસ્થિત હતા.

ગઈ કાલે શપથવિધિ દરમ્યાન ગુજરાત ભાજપના ઇન્ચાર્જ ભૂપેન્દ્ર યાદવ સાથે ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી.  પી.ટી.આઇ.

ગુજરાતની નવી સરકારમાં કોને મળ્યું સ્થાન? 
કૅબિનેટ પ્રધાનો : 
રાજેન્દ્ર ત્રિવેદી, જિતેન્દ્ર વાઘાણી, રિષીકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપસિંહ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણ. 
રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) પ્રધાનો : 
હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જિતુ ચૌધરી અને મનીષા વકીલ. 
રાજ્યકક્ષાના પ્રધાનો : 
મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી (આર.સી.) મકવાણા, વિનોદ મોરડિયા અને દેવા માલમ.

ભારતની રાજનીતિનો અભિનવ પ્રયોગ – ભૂપેન્દ્ર યાદવ

નવા પ્રધાનમંડળમાં નો રિપીટ થિયરીના અમલના મુદ્દે ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે મીડિયાને કહ્યું કે ‘નવા નેતૃત્વને આગળ વધારવા બીજેપીનો આ રાજનીતિની દૃષ્ટિએ સંકલ્પનો પ્રયોગ છે તેમ જ ભારતની રાજનીતિનો અભિનવ પ્રયોગ પણ ગણી શકાય. આ પ્રકારે લોકતાંત્રિક પ્રયોગ કરતાં બીજેપીએ દેશી રાજનીતિમાં નવા નેતૃત્વને આગળ વધારવા બધાએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો. નવું નેતૃત્વ પણ આગળ વધે એ પ્રયોગ છે. નવા નેતૃત્વનો પ્રયોગ થાય અને સૌ સાથે મળીને કામ કરે. સાતત્યના ભાવથી નવા નેતૃત્વ સાથે રાજનૈતિક રૂપથી આગળ વધવા પાર્ટી કૃતસંકલ્પ છે. નવી ઊર્જા સાથે નવું નેતૃત્વ આગળ આવશે અને વરિષ્ઠ લોકોનો અનુભવ સંગઠનમાં આવશે.’ 

gujarat cm gujarat politics gujarat news gujarat shailesh nayak