ભૂપેન્દ્ર પટેલે શ્રી સીમંધર સ્વામીની મૂર્તિને માથું ટેકવીને ચાર્જ સંભાળ્યો

14 September, 2021 09:36 AM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાતના ૧૭મા મુખ્ય પ્રધાનની શપથવિધિમાં અમિત શાહ સહિતના કેન્દ્રીય પ્રધાનો, ચાર રાજ્યોના મુખ્ય પ્રધાનો, સંતો–મહંતો ઉપસ્થિત રહ્યા

મુખ્ય પ્રધાનપદનો અખત્યાર સંભાળતા પહેલા ભૂપેન્દ્ર પટેલે શ્રી સીમંધર સ્વામીની મૂર્તિ ઑફિસમાં મૂકીને એને નત મસ્તક થયા હતા

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરીને ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં મુખ્ય પ્રધાનની ખુરશીમાં બેસતા પહેલાં ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાન - શ્રી સીમંધર સ્વામીની મૂર્તિને ઑફિસમાં મૂકીને માથું ટેકવ્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો.

મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં દાદા ભગવાન પરિવારના અનુયાયીઓ સાથે ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાપૂર્વક સ્તુતિ અને મંત્રગાન કર્યું હતું અને આશીર્વાદ લઈને વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. મુખ્ય પ્રધાનને શુભકામના પાઠવવા શુભેચ્છકો, વિધાનસભ્યો, અધિકારીઓ ઊમટ્યા હતા.

ઉલ્લેખનીય વાત એ છે કે ભૂપેન્દ્ર પટેલે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા એ પહેલાં જામનગર જિલ્લામાં વરસાદના કારણે અસર પામેલાં ત્રણ ગામોના અને પાણીમાં ફસાયેલા ૩૫ જેટલા લોકોને તાત્કાલિક મદદ-સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને ઍરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને સૂચના આપી હતી.

શપથવિધિ બાદ ભૂપેન્દ્ર પટેલે મુખ્ય પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળીને સૌપ્રથમ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર અને રાજકોટ જિલ્લા તેમ જ શહેરમાં ભારે વરસાદના કારણે સરજાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા રાજભવન ખાતે ગઈ કાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ૧૭મા મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે ઈશ્વરના નામે કાયદાથી સ્થાપિત ભારતીય બંધારણ પ્રત્યે શ્રદ્ધા અને નિષ્ઠા તથા ગોપનીયતાના શપથ ગુજરાતી ભાષામાં લીધા હતા. આ શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઇ, ગુજરાતના કાર્યકારી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી હતી.

શપથવિધિ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલના પરિવારજનો, કેન્દ્ર અને ગુજરાતના પ્રધાન મંડળના સભ્યો, સંતો–મહંતો, શુભેચ્છકો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, વિજય રૂપાણી, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઇ અને અન્ય મહાનુભાવો સમારોહમાં ઉપસ્થિત હતા.

gujarat gujarat news bhupendra patel shailesh nayak