ભાવનગરમાં બિહારી શ્રમિકોએ રાંધ્યું કાચબાનું શાક

26 June, 2026 11:59 AM IST  |  Bhavnagar | Gujarati Mid-day Correspondent

વનવિભાગને બાતમી મળતાં ચાર આરોપીઓને ઝડપી લીધા:એક જીવતો અને એક રાંધેલો કાચબો મળી આવ્યો

ભાવનગર વનવિભાગે પકડેલા ચાર આરોપીઓ.

વનવિભાગને બાતમી મળતાં ચાર આરોપીઓને ઝડપી લીધા:એક જીવતો અને એક રાંધેલો કાચબો મળી આવ્યો: કાચબો ખાવાથી વાઈની બીમારી મટી જશે એવી અંધશ્રદ્ધાથી પ્રેરાયા 

આજના આધુનિક જમાનામાં પણ એવી કેટલીક અંધશ્રદ્ધા હજી પણ ચાલી રહી છે જેનું ઉદાહરણ ગુજરાતના ભાવનગરમાં ગઈ કાલે જોવા મળ્યું હતું. વાઈની બીમારી કાચબો ખાવાથી મટી જશે એવી અંધશ્રદ્ધાથી પ્રેરાઈને ભાવનગરમાં પરપ્રાંતીય શ્રમિકોએ એક કાચબાનું શાક બનાવ્યું હતું. જોકે એને ખાવા જાય એ પહેલાં જ વનવિભાગે ચાર શ્રમિકોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એક રાંધેલો અને એક જીવતો કાચબો મળી આવ્યો હતો.  

ભાવનગર વનવિભાગને બાતમી મળી હતી કે ભાવનગર ઍરપોર્ટ ખાતે કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે. એમાં કામ કરતા બિહારના શ્રમિકો નરમ ઢાલવાળા કાચબા મેળવીને એનું કટિંગ કરી એને રાંધીને ખાવાના છે જેથી વનવિભાગની ટીમે રેઇડ પાડી હતી જેમાં એક જીવતો અને બીજો રાંધેલો કાચબો મળી આવ્યો હતો. વનવિભાગે રવિન પાસવાન, રામપુકાર પાસવાન, વિજયકુમાર મહંતો અને આનંદકુમાર મહંતોને પકડી લીધા હતા. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી આપ્યા છે.

વનવિભાગે કરેલી તપાસમાં એવી માહિતી મળી હતી કે ચાર પૈકી એક શ્રમિકને વાઈની બીમારી હતી. વાઈની બીમારી કાચબો ખાવાથી મટી જશે એવી અંધશ્રદ્ધાથી આ શ્રમિકો કાચબો લાવ્યા હતા. કાચબાનું કટિંગ કરીને એનું શાક પણ બનાવી દીધું હતું, પરંતુ એ આરોગે એ પહેલાં જ વનવિભાગે તેમને પકડી લીધા હતા.

gujarat news gujarat bhavnagar wildlife maharashtra forest department