સુરતમાં BJPનો બિનહરીફ વિજય

23 April, 2024 07:09 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના સત્તાવાર ઉમેદવાર નીલેશ કુંભાણીનું તથા ડમી ઉમેદવારનું પણ ફૉર્મ રદ થયા બાદ બાકીના તમામ કૅન્ડિડેટ‍્સે ઉમેદવારી પાછી ખેંચી લેતાં BJPના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા

ગઈ કાલે મુકેશ દલાલને કલેક્ટર ઑફિસમાં તેઓ વિજેતા થયા હોવાનુું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

દેશમાં લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં મતદાન થાય એ પહેલાં જ કૉન્ગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારી ફૉર્મ રદ થયા બાદ બાકીના તમામ ઉમેદવારોએ ગઈ કાલે તેમનાં ફૉર્મ પરત ખેંચી લેતાં સુરત લોકસભાની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. ગુજરાતમાં પહેલી વાર લોકસભાની ચૂંટણીમાં મતદાન થયા વગર કોઈ પક્ષના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે એટલું જ નહીં, અબકી બાર ચારસો પારના અભિયાનમાં ગુજરાતના સુરતથી BJPએ ખાતું ખોલ્યું છે.

સુરતમાં કૉન્ગ્રેસના સત્તાવાર ઉમેદવારનું ફૉર્મ રદ થયું હતું એટલું જ નહીં, કૉન્ગ્રેસના ડમી ઉમેદવારનું ફૉર્મ પણ રદ થયું હતું. ગઈ કાલે ઉમેદવારી-ફૉર્મ પરત ખેંચવાનો દિવસ હતો ત્યારે ચાર અપક્ષ ઉમેદવાર તેમ જ બહુજન સમાજ પાર્ટી સહિતની સ્થાનિક લેવલની પાર્ટીના મળીને કુલ આઠ ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી જેને કારણે BJPના ઉમેદવાર મુકેશ દલાલને ચૂંટણીઅધિકારીએ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા અને એના માટે સર્ટિફિકેટ આપ્યું હતું.

બિનહરીફ જાહેર થયા બાદ મુકેશ દલાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ગુજરાત અને દેશમાં પહેલું કમળ સુરતમાં ખીલ્યું એ નરેન્દ્ર મોદીનાં ચરણોમાં અર્પણ કરું છું. આ જે જીત છે એ નરેન્દ્ર મોદીના લક્ષ્યાંક અબકી બાર ચારસો પારની દિશામાં પહેલું કદમ છે. આ જાહેરાત નિશ્ચિત કરે છે કે BJP ૪૦૦થી વધુ બેઠક જીતશે.’

 

gujarat news surat Lok Sabha Election 2024 congress bharatiya janata party