29 April, 2026 10:25 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એકબીજાનાં મોં મીઠાં કરાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો વધુ એક વખત ચારે તરફ ભગવો લહેરાતાં ગઈ કાલે ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા ગુજરાત BJPના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અને અમદાવાદની BJPની કચેરી ખાતે વિજયોત્સવની જોમભેર ઉજવણી થઈ હતી.
ગુજરાત BJPના મુખ્ય કાર્યાલય ખાતે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, ગુજરાત પ્રદેશ BJPના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ અને કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું અને જીતની ઉજવણી કરી હતી. કાર્યાલયની બહાર ઢોલ-નગારાં વગાડીને વિજયોત્સવ મનાવ્યો હતો.
ગુજરાત BJPના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે BJPના નેતાઓ-કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો
વિજયની ખુશી વ્યક્ત કરતાં ભૂપેન્દ્ર પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘ગુજરાતની જનતાનો હૃદયથી આભાર માનું છું. તેમણે નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિનો સમજણ સાથે, વિશ્વાસ સાથે BJPને જનસમર્થન કરીને ખૂબ મોટી જીત અપાવી છે. કોઈ પણ નકારાત્મક ભૂમિકા ભજવવી, નકારાત્મક રીતે આગળ વધવું એ ગુજરાતની જનતા ક્યારેય સાંખી લે એમ નથી અને પૉઝિટિવલી વિકાસની રાજનીતિને આગળ વધારવા માટે જનતાએ BJP પર વિશ્વાસ મૂકીને જનસમર્થન આપ્યું છે. જનતાએ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ વધુ ને વધુ મજબૂત કેવી રીતે થાય એને માટે પ્રજાજનો વચ્ચે જઈને અમારા કાર્યકર જનતાની વચ્ચે રહીને જનતાના પ્રશ્નોને પૉઝિટિવ વાચા આપી છે. એ પદ્ધતિ સાથે ટીમવર્ક સાથે આગળ વધીશું.’