ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અવળી ગંગા જોવા મળી

09 April, 2026 01:15 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસનો હાથ પકડ્યો BJPના આગેવાનો–કાર્યકરોએ: ડાંગ, દાહોદ, લીમડી પંથકના BJPના સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો જોડાયા કૉન્ગ્રેસમાં

અમદાવાદમાં આવેલા કૉન્ગ્રેસના કાર્યાલયમાં દાહોદ જિલ્લાના BJPના આગેવાનો કૉન્ગ્રેસનો ખેસ ધારણ કરીને પક્ષમાં જોડાયા હતા.

ચૂંટણીઓ આવે ત્યારે મોટા ભાગે એવું થતું આવ્યું છે કે કૉન્ગ્રેસમાંથી નેતાઓ તેમના કાર્યકરો સાથે BJPમાં જોડાતા હોય છે, પરંતુ આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાણે કે અવળી ગંગા વહેતી હોય એવું જોવા મળ્યું છે. ગઈ કાલે દાહોદ, ડાંગ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી BJPના જિલ્લા તેમ જ તાલુકા કક્ષાના આગેવાનો તેમના કાર્યકરો સાથે BJPને રામ રામ કરીને કૉન્ગ્રેસમાં જોડાયા હતા.  

અમદાવાદ, સુરેન્દ્રનગર તેમ જ ડાંગમાં આવેલા કૉન્ગ્રેસનાં કાર્યાલયોમાં કૉન્ગ્રેસના આગેવાનોએ BJPમાંથી આવેલા વરિષ્ઠ આગેવાનો તેમ જ તેમના કાર્યકરોને કૉન્ગ્રેસમાં આવકાર્યા હતા. અમદાવાદમાં કૉન્ગ્રેસના કાર્યાલયમાં કૉન્ગ્રેસના મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને કો-કન્વીનર હેમાંગ રાવલ સહિતના કૉન્ગ્રેસના આગેવાનોએ દાહોદ જિલ્લા BJPના આગેવાનોને વિધિવત્ રીતે કૉન્ગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં જોડ્યા હતા. દાહોદ જિલ્લાના મહેશ મછાર, મોહન ડામોર, દિનેશ નિનામા સહિતના આગેવાનો કૉન્ગ્રેસની વિચારધારા સાથે જોડાયા હતા.

બીજી તરફ કૉન્ગ્રેસ છોડીને BJPમાં જોડાયેલા મોરબીના મુકેશ ગામીએ તેમના ટેકેદારો સાથે ઘરવાપસી કરી છે અને BJP છોડીને પાછા કૉન્ગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત જામનગરમાં ગઈ કાલે બહુજન સમાજ પાર્ટી (BSP)ના નેતાઓ અને કાર્યકરો કૉન્ગ્રેસમાં જોડાયા હતા.  

gujarat news gujarat government Gujarat Congress political news bhartiya janta party bjp bharatiya janata party