૨૦ લાખ નોકરી અને દીકરીઓને મેરિટ પ્રમાણે ઇલેક્ટ્રિક સ્કૂટર

27 November, 2022 09:44 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

બીજેપીએ આ વાયદા સાથે સંકલ્પપત્ર જાહેર કર્યો

ગુજરાત બીજેપીના હેડક્વૉર્ટર કમલમમાંથી ગઈ કાલે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બીજેપીનો સંકલ્પપત્ર જાહેર કર્યો હતો (તસવીર : જનક પટેલ)

બીજેપીએ આ વાયદા સાથે સંકલ્પપત્ર જાહેર કર્યો; જેમાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો, આદિવાસીઓ ઉપરાંત કૃષિ, શિક્ષણ, સુરક્ષા, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્નન્સ, ઇકૉનૉમી સહિતના મુદ્દાઓને આવરી લેવાયા, પણ ગૅસ-સિલિન્ડર, પેટ્રોલ કે ડીઝલના ભાવ ઘટાડવા માટે કોઈ વાયદો કર્યો નહીં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે બીજેપીએ સંકલ્પપત્રના નામથી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો જેમાં યુવાનો માટે પાંચ વર્ષમાં ૨૦ લાખ રોજગારી, આવનારાં પાંચ વર્ષમાં મહિલાઓ માટે ૧ લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ કરવા, આર્થિક રીતે નબળા પરિવારોની કૉલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઇલેક્ટ્રિક સ્કૂટર આપવા, ૨૦,૦૦૦ સ્કૂલોને સ્કૂલ ઑફ એક્સલન્સ બનાવવા સહિતના વાયદા સાથે સંકલ્પપત્ર જાહેર કર્યો હતો.

ગાંધીનગર – અમદાવાદ હાઇવે પર આવેલા ગુજરાત બીજેપીના હેડક્વૉર્ટર કમલમમાંથી ગઈ કાલે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બીજેપીનો સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. આ સંકલ્પપત્રમાં બીજેપીએ ખેડૂતો, મહિલાઓ, યુવાનો, આદિવાસીઓ ઉપરાંત કૃષિ, શિક્ષણ, સુરક્ષા, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્નન્સ, ઇકૉનૉમી સહિતના મુદ્દાઓને આવરી લઈને સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. જોકે ગૅસ-સિલિન્ડર, પેટ્રોલ કે ડીઝલના ભાવ ઘટાડવા માટે કોઈ વાયદો કર્યો નહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સંકલ્પપત્રની વિગતો જાહેર કરતાં કહ્યું હતું કે ‘ગુજરાત વિકાસની ગંગોત્રી છે. રાજનીતિના પરિવર્તનની ગંગોત્રી છે. આ અમારો સંકલ્પપત્ર માત્ર નથી, આ સંકલ્પપત્ર અમારા માટે ડોક્યુમેન્ટ છે. ગુજરાત કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું, જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને મજબૂત કરશે. ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ, લિફ્ટ ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને અન્ય પદ્ધતિથી થતા કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું. દેશના પહેલા બ્લુ ઇકૉનૉમી ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનું નિર્માણ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સી ફૂડ પાર્ક ઊભા કરીશું. વડા પ્રધાન જનઆરોગ્ય યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક સારવાર માટેની મહત્તમ મર્યાદાને પાંચ લાખથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરીશું. મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ૧૦,૦૦૦ કરોડના ખર્ચે ૨૦,૦૦૦ સરકારી સ્કૂલોને અપગ્રેડ કરીને એક્સેલન્સ બનાવીશું. ગુજરાતના યુવાનોને આગામી પાંચ વર્ષમાં ૨૦ લાખ રોજગારી જનરેટ કરીશું.’

તેઓએ સુરક્ષાની બાબતમાં કહ્યું હતું કે ‘ગુજરાત યુનિફૉર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો અમલ થાય એ સુનિશ્ચિત કરીશું. ઍન્ટિ રેડિકલાઇઝેશન સેલ બનાવીશું, જે દેશવિરોધી તત્ત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને એને દૂર કરવાનું કામ કરશે. રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગેરે દરમ્યાન અસામાજિક તત્ત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત કરવા માટે ગુજરાત રિકવરી ઑફ ડૅમેજ ઑફ પબ્લિક ઍન્ડ પ્રાઇવેટ પ્રૉપર્ટી ઍકટ લાગુ કરીશું.’

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતની જનતાએ બીજેપી પાસે જે અપેક્ષાઓ વ્યક્ત કરી છે એ સંકલ્પપત્રમાં સમાવી એને પૂર્ણ કરવા કટીબદ્ધ છીએ. બીજેપીનો આ સંકલ્પપત્ર એ માત્ર ચૂંટણીલક્ષી નથી, પરંતુ જનતાએ મૂકેલા વિશ્વાસને જાળવી રાખવાનો બીજેપીનો દસ્તાવેજ છે.’

ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે ‘ગુજરાતની જનતા બીજેપી પાસે શું અપેક્ષા રાખે છે એના અભિપ્રાય મગાવ્યા હતા અને એમાંથી સંકલ્પપત્ર બનાવ્યું છે. બીજેપીએ અત્યાર સુધીમાં જે-જે સંકલ્પો કર્યા છે એને પૂર્ણ કરવામાં આવ્યા છે અને અમુક સંકલ્પો પ્રગતિ હેઠળ છે.’ 

10,000
આટલા કરોડ રૂપિયાના ખર્ચે મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ હેઠળ ૨૦,૦૦૦ સરકારી સ્કૂલોને અપગ્રેડ કરીને એક્સલન્સ બનાવવાનું વચન.

સંકલ્પપત્રમાં બીજુ શું-શું છે?

નડ્ડા - ધ ‘રાઉડી રાઠોડ’    

‘જો મૈં બોલતા હૂં વો મૈં કરતા હૂં, લેકિન જો મૈં નહીં બોલતા વો ડેફિનેટલી કરતા હૂં’ બૉલીવુડની ફિલ્મ ‘રાઉડી રાઠોડ’માં અક્ષયકુમારના પૉપ્યુલર બનેલા આ પ્રકારના ડાયલૉગ્સની જેમ જ અને સ્ટાઇલમાં ગઈ કાલે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પણ  સંકલ્પપત્રની જાહેરાત દરમ્યાન જોશભેર કહ્યું હતું કે ‘જો કહા થા, વો કિયા હૈ, લેકિન જો નહીં કહા થા વો ભી કરકે દિયા હૈ’. 
જે. પી. નડ્ડાએ પોતાના પક્ષે કરેલાં કામો માટે ગર્વ લેતાં કહ્યું હતું કે ‘જે કહ્યું એ કર્યું છે, પણ જે નથી કહ્યું એ પણ કર્યું છે. આ અમારી પાર્ટી છે.’ આમ બોલતાં જ સભાખંડમાં બેઠેલા બીજેપીના કાર્યકરોએ તાળીઓ પાડીને તેમને વધાવી લીધા હતા.

gujarat gujarat news gujarat election 2022 gujarat elections bharatiya janata party Gujarat BJP shailesh nayak