19 May, 2026 02:22 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
જય દલાલ
સુરતમાં ઉધના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં મહિલા અગ્રણી જયશ્રી દલાલના પુત્ર અને ડીંડોલી વૉર્ડના BJPના યુવા મોરચાના પ્રમુખ જય દલાલને રવિવારે મધરાતે ૩ લોકોએ ચપ્પુના ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાને પગલે સુરતમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં જૂની અદાવતમાં યુવા નેતાની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે.
સુરતના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) ચિરાગ વડોદરિયાએ કહ્યું હતું કે ‘રવિવારે રાતે જય દલાલ અને તેના મિત્રો ભંગારની દુકાન પાસે ઊભા હતા ત્યારે કિશન ઉર્ફે ચકલી પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી ટૂ-વ્હીલર પર આવ્યા હતા. આ ત્રણે જણે જયને ચપ્પુના ઘા માર્યા હતા. જયને હૉસ્પિટલમાં લઈ જતાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક રીતે એવું જણાઈ આવ્યું છે કે ૩ મહિના પહેલાં જય અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો.’