06 November, 2026 01:17 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદના વિખ્યાત કાંકરિયા તળાવમાં ફરીથી બોટિંગ શરૂ થયું છે.
દિવાળીનું પર્વ શરૂ થયું છે ત્યારે અમદાવાદમાં આવેલા વિશ્વવિખ્યાત કાંકરિયા તળાવમાં ફરી વાર બોટિંગ-સર્વિસ શરૂ થઈ છે. બોટિંગ કરવા આવતા સહેલાણીઓની સલામતી અને સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરીને બોટિંગ-સર્વિસ ફરી શરૂ થઈ છે જેમાં લાઇફ-જૅકેટ પહેર્યા વિના બોટિંગ કરી શકાશે નહીં.
મધ્ય ગુજરાતના વડોદરામાં આવેલા હરણી તળાવમાં ૨૦૨૪ની ૧૮ જાન્યુઆરીએ બોટ પલટી ખાઈ જતાં ૧૨ જેટલા સ્ટુડન્ટ્સ તેમ જ બે ટીચર્સનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ લોકોની સલામતીને ધ્યાનમાં લઈને વડોદરા સહિત ગુજરાતમાં બોટિંગ-પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જોકે હવે નવી ગાઇડલાઇન મુજબ તમામ સુરક્ષાવ્યવસ્થા કરીને ૩ નવેમ્બરથી કાંકરિયા તળાવમાં બોટિંગ-સર્વિસ ફરી એક વાર શરૂ થઈ છે.
બોટિંગ ઍક્ટિવિટી કરવા આવનારા મુલાકાતીઓની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ઇમર્જન્સી રિસ્પૉન્સ સેન્ટર ૩૬૦ ડિગ્રી વ્યુઝ ગ્લાસ સાથે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા અને એનું નિરીક્ષણ કરવા માટે ફાયર–વિભાગનો સ્ટાફ હાજર રહેશે. આ ઉપરાંત ૨૪ કલાક મેડિકલ ફૅસિલિટી, ૩૫૦થી વધુ લાઇફ-જૅકેટ્સ, CCTV કૅમેરા, વૉકી-ટૉકી સહિતની સેફટીની વ્યવસ્થા કરવામાં આવી છે.