બૉર્ડર ટૂરિઝમને લીધે સરહદની સુરક્ષામાં વધારો કરવામાં મદદ મળશે : અમિત શાહ

11 April, 2022 08:50 AM IST  |  Nadabet | Gujarati Mid-day Correspondent

બનાસકાંઠાના નડાબેટમાં સીમાદર્શન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

નડાબેટમાં સીમાદર્શન ટૂરિઝમ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે બૉર્ડર ટૂરિઝમથી સરહદની સુરક્ષામાં વધારો કરવામાં મદદ મળશે તેમ જ લોકો બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોને મળશે તેમ જ તેમના પ્રત્યે આદરમાં વધારો થશે. બનાસકાંઠા જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદે આવેલા નડાબેટમાં સીમાદર્શન ટૂરિઝમ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારોહને સંબોધતાં તેમણે આ વાત કરી હતી.

અહીં પંજાબના વાઘા-અટારી બૉર્ડરની જેમ જ બીટિંગ રિટ્રીટ સેરેમની પણ યોજાશે. શાહના મતે ટૂરિઝમ પ્રોજેક્ટને કારણે રોજગારી ઊભી થશે તેમ જ સરહદનાં ગામોમાંથી થતું સ્થળાંતર અટકશે. વડા પ્રધાન મોદીએ સરહદની સુરક્ષા વધારવાના હેતુથી સરહદ પણ માળખાકીય સુવિધાઓ વધારવા માટે ઘણાં પગલાં લીધાં છે. સીમાદર્શન પ્રોજેક્ટ એ પૈકી એક છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે આવેલા અમિત શાહે દેશની સુરક્ષામાં બીએસએફના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘બીએસએફના જવાનો તેમના પરિવારોથી હજારો કિલોમીટર દૂર કઠોર પરિસ્થિતિમાં તહેનાત હોવાથી દેશ સુર​ક્ષિત, વિકાસશીલ અને ઝડપથી આગળ વધી રહ્યો છે. જ્યારે તમે નડાબેટની મુલાકાત લેશો અને સરહદ પર જશો ત્યારે જ તમને ખબર પડશે કે સુરક્ષા દ‍ળો કેવી કપરી પરિસ્થિતિમાં કામ કરે છે, જે બાળકોમાં દેશભક્તિની લાગણીઓ જગાડશે. નડાબેટ પ્રોજેક્ટને કારણે બનાસકાંઠા જિલ્લામાં આશરે પાંચ લાખ લોકોને રોજગાર મળશે.’

gujarat gujarat news amit shah bhupendra patel