અંગદાન થાય એ પહેલાં જ સુરતના બ્રેઇન-ડેડ બિલ્ડરને જીવલેણ હાર્ટ-અટૅક આવ્યો

06 February, 2026 07:50 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

હાથ, લિવર અને આંખોના દાન માટે પરિવારે સંમતિ આપી હતી, પણ મૃત્યુ થવાથી માત્ર ચક્ષુનું દાન થઈ શક્યું

પરિવારજનો, ડોનેટ લાઇફ સંસ્થાના સભ્યો અને હૉસ્પિટલના સ્ટાફ દ્વારા તુષાર ઘેલાણીને સલામી આપવામાં આવી હતી.

સુરતમાં રહેતા બિલ્ડર તુષાર ઘેલાણીને બ્રેઇન-ડેડ જાહેર કર્યા બાદ પરિવારજનોએ તેમના હાથ, લિવર અને આંખોનું દાન કરવા માટે સંમતિ આપી હતી. જોકે અંગદાન થાય એ પહેલાં જ ગઈ કાલે સવારે તુષાર ઘેલાણીને હૃદયરોગનો હુમલો આવતાં તેમનું અવસાન થયું હતું. એને કારણે તેમનાં અંગોનું દાન થઈ શક્યું નહોતું, માત્ર આંખોનું દાન થઈ શક્યું હતું. 

સુરતમાં આવેલી ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક અને અંગદાન માટે જનજાગૃતિ ફેલાવી રહેલા તેમ જ તાજેતરમાં જેમને પદ્‍‍મશ્રી જાહેર થયો છે તે નીલેશ માંડલેવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તુષાર ઘેલાણીને બ્રેઇન-ડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારે લિવર, હાથ અને ચક્ષુદાન માટે મંજૂરી આપી હતી. લિવર લેવા માટે અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાંથી એક ટીમ સુરતની હૉસ્પિટલમાં આવી હતી. જોકે તુષાર ઘેલાણીનાં અંગોનું દાન થાય એ પહેલાં તેમને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને હૃદય બંધ થઈ ગયું હતું. ડૉક્ટરે ઘણીબધી કોશિશ કરી, પરંતુ હૃદય ફરી શરૂ થઈ શક્યું નહોતું અને સવારે ૧૦.૨૦ વાગ્યે તુષારભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમનું મૃત્યુ થવાથી તેમનાં અંગોનું દાન થઈ શક્યું નથી, પરંતુ તેમનાં ચક્ષુઓનું દાન થયું છે.’ 

તુષાર ઘેલાણીએ પોતાની દીકરીનાં લગ્ન અગાઉ ગયા શનિવારે મધરાતે પોતાના ઘરમાં જ કોઈ કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જાતે જ પોતાની પિસ્તોલ લમણે મૂકીને ગોળી મારી હતી જેને કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પરિવારના સભ્યો તાત્કાલિક તેમને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તેમની સારવાર ચાલતી હતી.

gujarat news gujarat surat heart attack Crime News gujarati community news