સુરતમાં ચાલતી બસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, એક જ મિનિટમાં બસ બળીને રાખ થઈ, એક મહિલાનું મોત

19 January, 2022 02:17 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

આનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મહિલા બારીની બહાર હાથ લંબાવીને મદદ માટે વિનંતી કરી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

સુરત શહેરમાં મંગળવારે રાત્રે ખાનગી લક્ઝરી બસમાં સવાર એક મહિલાનું મોત થયું હતું. આનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મહિલા બારીની બહાર હાથ લંબાવીને મદદ માટે વિનંતી કરી રહી છે. આ તમને વિચલિત કરી શકે છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જેને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સુરતના ચીફ ફાયર બ્રિગેડ ઓફિસર બસંત પારિકે જણાવ્યું હતું કે “પ્રાથમિક તપાસમાં બસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. વાયરિંગ સળગી જવાને કારણે ગરમી વધી ગઈ હતી જેના કારણે AC કોમ્પ્રેસર ફાટતા આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને 58 સેકન્ડમાં જ બસ બળીને રાખ થઈ ગઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે બસ કતારગામ વિસ્તારથી ભાવનગર તરફ જવાની શરૂઆત કરી ત્યારે તેમાં ઘણા ઓછા મુસાફરો હતા. પારિકે જણાવ્યું કે જ્યારે બસ વધુ મુસાફરોને લેવા માટે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ હીરાબાગ સર્કલ પર પહોંચી ત્યારે અચાનક સ્પાર્ક અને વિસ્ફોટ થતાં બસની પાછળની બાજુએ આગ લાગી હતી.

પાછળથી આવતી અન્ય બસના ચાલકે આ બસના ચાલકને જાણ કરી હતી. ડ્રાઈવરે તરત જ બસ રોકી અને મુસાફરોને બસમાંથી ઉતરવા કહ્યું, પરંતુ 2-3 મિનિટમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ ગઈ હતી.

એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો. બસમાં 1x2ની સ્લિપિંગ એસીની વ્યવસ્થા હતી. જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા, જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. એકાએક આગ લાગતાં આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઊતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતાંમાં જ જીવતી સળગી ગઈ હતી.

ઉપરાંત બસમાં મોબાઇલ ચાર્જિંગ માટેના પણ યુનિટ્સ આપેલા હતા. શક્યતા છે કે એને કારણે પહેલા શોર્ટસર્કિટ થયું હોય અને પછી આગ લાગી હોય. આગ લાગ્યા બાદ બસના નીચેના ભાગે ટેમ્પરેચર વધ્યું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ અને બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીને કારણે આગ વધુ વિકરાળ બની હતી.

બસના ડ્રાઇવરે પોત નિવેદનમાં કહ્યું હતું કે “યોગીચોક પાસેથી હું લકઝરી લઈને જતો હતો ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને નજીક આવ્યો અને કહેવા લાગ્યો કે તારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળે છે, એટલે મેં તરત બસ ઊભી રાખી અને પાછળ જઈને ચેક કર્યું એટલીવારમાં તો આગ વધુ ફેલાઈ ગઈ હતી.”

એસીપી સીકે પટેલે જણાવ્યું હતું કે “મહિલાને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં તેઓનું મોત થયું હતું. આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને બસમાં આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા હેતુ એસએફએલની મદદ પણ લેવામાં આવી છે. તેમ જ ઇલેક્ટ્રિક અને આરટીઓ ઇન્સ્પેકટરની સ્થળ નિરિક્ષણ કરાવી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.”

gujarat news surat