પાલિતાણા મહાતીર્થમાં ધોળા દિવસે ચેઇન-સ્નૅચિંગ

18 April, 2026 08:16 AM IST  |  Bhavnagar | Gujarati Mid-day Correspondent

ચેન્નઈથી આવેલા દિનેશ કાંગરેસાને ૪ જણ ચાકુ બતાવીને સોનાની ચેઇન લૂંટી ગયા : યાત્રાળુઓમાં ફેલાયો ગભરાટ : શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ૩૬ સોલર CCTV કૅમેરા લગાડવાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યુ

દિનેશ કાંગરેસા

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થ પાલિતાણામાં ગઈ કાલે ચેન્નઈથી આવેલા યાત્રાળુ સાથે લૂંટની ઘટના બની હતી. ૪ માણસો તેમને ચાકુ બતાવી સોનાની ચેઇન લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે આ ઘટનાને ગંભીરતાથી લઈને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ૩૬ સોલર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાડવાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

ચેન્નઈમાં રહેતા દિનેશ કાંગરેસા પાલિતાણા દર્શન કરવા આવ્યા હતા. પાલિતાણા ડુંગર પર તેઓ પગપાળા પદ્‍માવતી માતાની દેરી પાસે હતા એ સમયે અચાનક ૪ માણસો તેમની પાસે આવ્યા હતા. તેઓ દિનેશભાઈ સાથે ધક્કામુક્કી કરી, ચાકુ બતાવી ગળામાં પહેરેલી ચેઇન ખેંચીને ઘટનાસ્થળેથી નાસી ગયા હતા. આ ઘટનાને કારણે દિનેશ કાંગરેસા હેબતાઈ ગયા હતા અને ગભરાઈ ગયા હતા. આ ઘટનાને પગલે અન્ય યાત્રાળુઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયા હતો.

શું કહ્યું શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ?

આ ગંભીર ઘટનાને પગલે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી હરકતમાં આવી હતી. પેઢી દ્વારા સકળ સંઘને જાણકારી આપવામાં આવી હતી કે ‘શત્રુંજય ગિરિરાજ, પાલિતાણા ખાતે સવારે પોણાસાતથી સાત વાગ્યા દરમ્યાન ચેન્નઈના દિનેશભાઈ સાથે ગિરિરાજના મોટા રસ્તે કમનસીબ ઘટના બની છે જેને લઈને પેઢી દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યાં છે. એમાં ગિરિરાજના મોટા રસ્તે તથા ઘેટીપાગ રસ્તે ૩૬ સોલર CCTV કૅમેરા લગાડવાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. જરૂર પડશે તો વધારે CCTV કૅમેરા પણ લગાડવામાં આવશે. ગિરિરાજના મોટા રસ્તે તથા ઘેટીપાગ રસ્તે સિક્યૉરિટી ગાર્ડ્સ તાત્કાલિક ધોરણે વધારવામાં આવ્યા છે. પેઢી આ નિમ્નકક્ષાના બનાવનો વિરોધ કરે છે અને યાત્રીઓની સલામતી માટે યોગ્ય પગલાં લેવા કટિબદ્ધ છે. સરકાર સમક્ષ તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે તથા બનેલી ઘટનાની પોલીસવિભાગમાં જાણ કરવામાં આવી છે.’

jain community gujarati community news bhavnagar gujarat gujarat news Crime News Gujarat Crime