આવતા અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર-કચ્છ જવાનું ટાળજો

06 July, 2022 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૉન્સૂન સિસ્ટમ ડેવલપ થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ભારોભાર સંભાવના છે

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાન તરફ ફેંકાઈ જતાં વાદળોને કારણે ગુજરાત છેલ્લા એક વીકથી મૉન્સૂનના આરંભની રાહ જોતું હતું પણ ગઈ કાલે મૉન્સૂન સિસ્ટમ ડેવલપ થતાં અને અરબી સમુદ્ર પર સાયક્લોનિક પ્રેશર જનરેટ થતાં મેઘમહેર ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્ર-કચ્છ પર જોવા મળી હતી. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા અડતાલીસ કલાક દરમ્યાન સિસ્ટમ અકબંધ રહેવાની હોવાથી આવતા અડતાલીસ કલાક દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની પૂરી શક્યતા છે.
ગઈ કાલે ગુજરાતના જૂનાગઢ, પોરબંદર, અમરેલી સહિતના ત્રીસ જિલ્લાના ૧પ૬ તાલુકાઓમાં અડધાથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ જૂનાગઢ અને પોરબંદરમાં પડ્યો હતો, જ્યારે ગઈ કાલે પહેલી વાર કચ્છમાં પણ વરસાદનું આગમન થયું હતું. જૂનાગઢ જિલ્લામાં એકથી પાંચ વરસાદ હતો, જ્યારે પોરબંદર જિલ્લામાં બેથી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો તો રાજકોટમાં અષાઢી માહોલ વચ્ચે માત્ર ચાલીસ મિનિટમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના પલસાણા અને ચોર્યાસી તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. 
ગઈ કાલે પડેલા વરસાદના કારણે ગુજરાતના ડૅમોમાં પહેલી વાર નવા પાણીની આવક થતાં ગુજરાત સરકારે પણ રાહત અનુભવી હતી. ઉત્તર ગુજરાતમાં પીવાનું પાણી સપ્લાય કરતા ડૅમોમાંથી પંદર ડૅમમાં ૧૨ ટકાથી પણ ઓછું પાણી છે. ગઈ કાલે ઉત્તર ગુજરાતમાં પણ એકથી અઢી ઇંચ વરસાદ પડતાં સ્વાભાવિક રીતે લોકોનો ઉચાટ ઓસર્યો હતો.

gujarat news Gujarat Rains