વાઇબ્રન્ટ ગુજરાત પર વેરિઅન્ટનાં વાદળ, રાજ્ય સરકાર બની સતર્ક

28 November, 2021 10:24 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વાઇબ્રન્ટ ગુજરાતમાં ૧૫થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર બનવાના છે ત્યારે નવા વેરિઅન્ટના ખતરાથી ઊભી થઈ અસમંજસ ભરી સ્થિતિ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો સંક્રમણ ફેલાવાનો દુનિયામાં ખતરો ઊભો થતાં ફરી એક વાર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે ત્યારે આગામી જાન્યુઆરીમાં ગુજરાતમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પર નવા વેરિઅન્ટનાં વાદળ ઘેરાયાં છે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં ૧૫થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર બનવાના છે એવા સંજોગોમાં નવા વેરિઅન્ટના ખતરાથી ગુજરાત સરકાર માટે અસમંજસ ભરી સ્થિતિ ઊભી થઈ છે. જોકે ગુજરાત સરકાર આ બાબતે સતર્ક બની છે.
કોરોનાના કારણે આ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ હવે ગુજરાતમાં કોરોના કન્ટ્રોલમાં આવ્યો હોવાથી ૨૦૨૨ની ૧૦થી ૧૨ જાન્યુઆરીએ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવાનું આયોજન કર્યું છે જેમાં ૧૫થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાવાની જાહેરાત થઈ છે. આ ઉપરાંત અમેરિકા, જર્મની, નેધરલૅન્ડ, યુ.કે., ફ્રાન્સ, જપાન, દુબઈ, અબુ ધાબી તથા મિડલ ઈસ્ટના દેશોમાં ગુજરાત સરકાર દ્વારા રોડ શો પણ યોજાવાના છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી મહેમાનો આવતા હોય છે ત્યારે અચાનક દેખા દીધેલા નવા વેરિઅન્ટના સંભવિત ખતરા વચ્ચે આ વખતે ગુજરાતમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશ-વિદેશોમાંથી આગેવાનો તેમ જ ઉદ્યોગકારો આવવાના હોવાથી તેમ જ ગુજરાત સરકાર દ્વારા વિદેશોમાં પણ રોડ શો યોજાવાનો હોવાથી નવા વે‌રિઅન્ટના પગલે ચિંતાનાં વાદળો ઘેરાયાં છે.

ગુજરાતમાં ચિંતા કરવાની જરૂર નથી
નવા વેરિઅન્ટના પગલે ઊભી થયેલી સ્થિતિ વચ્ચે ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘ગુજરાતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો કોઈ સંક્રમણ આવે છે, આ જે રિપોર્ટ થયો છે અને ભારતમાં પણ પ્રવેશ કરી જાય છે તો પૂરી તૈયારી સાથે ભારત સરકાર, ગુજરાત સરકાર એનો સામનો કરશે.’

gujarat gujarat news