અમદાવાદમાં કલરફુલ પાણી બન્યું કોયડો

31 July, 2022 10:34 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

શહેરને પાણી પૂરું પાડતી શેઢી કૅનલના પાણીનો કલર બદલાતાં તંત્રે તપાસ હાથ ધરી: પ્રાથમિક તારણ મુજબ લીલનું પ્રમાણ વધતાં પાણીનો કલર બદલાયો, ‘કેમિકલ લોચા’ની પણ આશંકા

શેઢી કૅનલ પર ખેડા જિલ્લાની કલેક્ટર કચેરીના અધિકારીઓ, જી.પી.સી.બી. તેમ જ પોલીસ વિભાગના અધિકારીઓએ ગઈ કાલે તપાસ હાથ ધરી હતી.

શહેરને પાણી પૂરું પાડતી શેઢી કૅનલના પાણીનો કલર બદલાતા તંત્ર દોડતું થયું છે. ગંદું અને વધુ ટર્બિડિટીવાળું પાણી આવતાં અમદાવાદમાં જળ શુદ્ધીકરણ પ્લાન્ટ બંધ કરવો પડ્યો છે. પાણીનો રંગ બદલાતા મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.)એ તપાસ હાથ ધરીને પાણીના નમૂના લીધા હતા, જેમાં પ્રાથમિક તારણ મુજબ લીલનું પ્રમાણ વધતાં પાણીનો કલર બદલાયો હોવાનું બહાર આવ્યું છે.
મહેમદાવાદ તાલુકાના જીંજર ખાતે સિંચાઈ વિભાગ હસ્તકની મહી શેઢી બ્રાન્ચ કૅનલ મારફતે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંચાલિત રાસ્કા ૨૦૦ એમ.એલ.ડી.જળ શુદ્ધીકરણ પ્લાન્ટમાં દૈનિક ધોરણે અપાતા રૉ વૉટરમાં આવતા ગંદા અને વધુ ટર્બિડિટીવાળા પાણીના કારણે જનતાના હિતમાં આ જળ શુદ્ધીકરણ પ્લાન્ટ હાલમાં બંધ રાખવામાં આવ્યો છે. પાણીનો કલર બદલાતાં એવી આશંકા પણ ઊઠી હતી કે કૅનલમાં કોઈએ કેમિકલ નાખી દેતાં પાણીનો કલર બદલાયો છે, જેના કારણે ખેડા જિલ્લા કલેક્ટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ તંત્ર ઍક્શનમાં આવ્યાં હતાં અને ગઈ કાલે ઉચ્ચ અધિકારીઓએ કૅનલની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી. જી.પી.સી.બી. દ્વારા વણાક, જાલમપુરા, રાસ્કા વિયર સહિતનાં સ્થળોએથી પાણીના સાત સૅમ્પલ લીધા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની વૉટર કમિટીના ચૅરમૅન જતીન પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ગંદું અને વધુ ટર્બિડિટીવાળું પાણી આવતાં અમે તપાસ કરાવવા માટે પાણીના નમૂના લીધા છે. અમદાવાદમાં એક જળ શુદ્ધીકરણ પ્લાન્ટ બંધ કર્યો છે. અમે બે-ત્રણ દિવસ વૉચ રાખીશું. મહી શેઢી બ્રાન્ચ કૅનલમાંથી ગંદું પાણી બંધ થયા બાદ જરૂરી તકેદારી રાખીને જળ શુદ્ધીકરણ પ્લાન્ટ ચાલુ કરીશું. દરમ્યાન અમદાવાદના દ​િક્ષણ તથા પૂર્વ વિસ્તારમાં પાણીપુરવઠો જાળવી રાખવા કોતરપુર વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે પાણીમાં લીલ દેખાય છે એટલે કલર બદલાયેલો હશે.’

gujarat news gujarat ahmedabad shailesh nayak