રામમંદિરના નિર્માણ વિશેના ભરતસિંહ સોલંકીના નિવેદનથી મહાભારત

25 May, 2022 10:14 AM IST  |  Mumbai | Shailesh Nayak

બીજેપીએ કહ્યું કે ભારતના નાગરિકો–હિન્દુઓ માફ નહીં કરે, હાર્દિક પટેલે કહ્યું કે કૉન્ગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાની વિરોધમાં જ કામ કરતી આવી છે

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ ઃ ગુજરાત કૉન્ગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ગઈ કાલે ભગવાન શ્રીરામના રામમંદિરની ઇંટને લઈને કરેલા અભદ્ર નિવેદનથી વિવાદ ઉઠ્યો છે. દિવસભર આ વિવાદ ચર્ચાના ચકડોળે ચઢ્યો હતો.
અમદાવાદ નજીક આવેલા વટામણ ખાતે ગઈ કાલે યોજાયેલા ગુજરાત કૉન્ગ્રેસના કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ‘રામમંદિરના નામે પૈસા ઉઘરાવ્યા. મારી ભોળી માતા-બહેનો એ જમાનામાં કુમકુમ તિલક ચાંલ્લા કરી માથે મૂકીને રામ શિલાને લઈ જાય, ઢોલ નગારા સાથે વાજતેગાજતે પાદરે મૂકી આવે, મનમાં હાશ થાય-હવે રામમંદિર બંધાશે અને બધા સુખી થઈ જઈશું, 
પછી કૂતરા પેશાબ કરતા થઈ ગયા એના પર.’
ભરતસિંહ સોલંકીની આ રીતે જીભ લપસ્યા પછી વિવાદ થતાં તેઓએ મીડિયા સમક્ષ ફેરવી તોળતાં કહ્યું હતું કે ‘જે રામ શિલાને ખૂબ શ્રદ્ધા- વિશ્વાસ, આસ્થા સાથે પૂજા કરી મોકલી હતી, જે પાદરે હતી એના પર શ્વાન પેશાબ કરતા અનેક જગ્યાએ જોવા મળ્યા તેની લગીરેય ચિંતા ન કરી. મારી વાત રામના વિરોધની નથી. ભરતને રામનું મંદિર બંધાય તો આનંદ થાય કે ન થાય, પણ રામના નામે સત્તાનો વેપાર કરવાવાળા લોકોને મારે ઉઘાડા પાડવા છે. તેમણે જે કૃત્યો કર્યાં છે તેને માટેની આ વાત કહી છે.’
ગુજરાત બીજેપીના પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેએ ભરતસિંહ સોલંકીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘મને ખબર નથી પડતી કે ગુજરાત કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ સાંસદ રહી ચૂકેલા હોવા છતાં આવી ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં અભદ્ર ટિપણી કેમ કરી શકે છે. તેને ભારતના નાગરિકો અને હિન્દુઓ માફ નહીં કરે. ભરતસિંહ સોલંકીએ  વિચાર કરવો જોઈએ કે હું કોના માટે ટિપણી કરું છું. સાત સાત દાયકા સુધી તમારી સરકાર હતી, તમે રામમંદિરનું નિર્માણ કરી શક્તા હતા.’
કૉન્ગ્રેસમાંથી તાજેતરમાં છૂટા થયેલા હાર્દિક પટેલે ભરતસિંહ સોલંકીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અને આક્ષેપ કરતાં કહ્યું હતું કે મેં પહેલાં પણ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવા દેવા નથી. કૉન્ગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાની વિરોધમાં જ કામ કરતી આવી છે. હું કૉન્ગ્રેસના નેતાઓને પૂછવા માગું છું કે તમને ભગવાન શ્રીરામથી શું વાંધો છે. હવે તો ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે, છતાં કૉન્ગ્રેસના નેતા વિવાદીત નિવેદન કેમ આપે છે. શું કૉન્ગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી.’ 

gujarat news Gujarat Congress