AAPના ડેડિયાપાડાના વિધાનસભ્ય ચૈતર વસાવાને કોર્ટે ફરમાવી ૭ વર્ષની સજા

24 June, 2026 12:25 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વન વિભાગના કર્મચારીઓ પર હુમલાનો કેસઃ તેમનાં પત્ની સહિત કુલ ૯ વ્યક્તિને પણ સજા

ચૈતર વસાવા

ગુજરાતમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવાના કેસમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લાના ઍડિશનલ સેશન્સ જજ એ.વી. હીરપરાએ દોષી જાહેર કરીને ૭ વર્ષની સજા ફરમાવવાની સાથે ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો. ચૈતર વસાવાની સાથે તેમનાં પત્ની શકુંતલા વસાવા સહિત કુલ ૯ આરોપીઓને પણ ૭ વર્ષની સજા અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો છે. કોર્ટના આ ચુકાદાના પગલે ચૈતર વસાવા તેમનું વિધાનસભ્ય પદ ગુમાવી શકે છે.  

૨૦૨૩માં વન વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કર્યું હતું. આ મુદ્દે ચૈતર વસાવાએ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને ધાકધમકી આપી હતી અને ધોલધપાટ કરી હતી.

ચૈતર વસાવાએ કહ્યું હતું કે ‘અમને ૭ વર્ષની સજા ફરમાવવામાં આવી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એનો આદર કરીએ છીએ.’ 

ચૈતર વસાવાનું વિધાનસભ્ય પદ રદ થઈ શકે 

ચૈતર વસાવાને ૭ વર્ષની સજા થતાં વિધાનસભ્ય પદ રદ થાય એવા સંજોગો ઊભા થયા છે. જો કોઈ પણ વિધાનસભ્યને બે વર્ષથી વધુની સજા થાય તો વિધાનસભ્ય તરીકે મટી જાય છે, પરંતુ એ જાહેર કરવાની સત્તા વિધાનસભાના સ્પીકર પાસે છે. સ્પીકર પાસે આ કેસનો ચુકાદો રજૂ થાય એ પછી સ્પીકર નિર્ણય કરતા હોય છે.   

aam aadmi party political news indian politics gujarat news gujarat