તમે સાંભળ્યું કે નહીં? ગુજરાતી કવિતાઓનું રેપ સોન્ગ બનાવી, અદ્ભુત રીતે પ્રસ્તુત કરી રહ્યા છે આ યુવાનો

19 January, 2022 07:34 PM IST  |  Vadodara | Karan Negandhi

તાજેતરમાં જ આ યુવાનોએ કવિ શિલ્પીન થાનકીની ગઝલ ‘ઘેટું ઘટે છે’નું રેપ સોન્ગ બનાવ્યું છે.

ઘેટું ઘટે છે

ગુજરાતી ભાષા અને તેનું સાહિત્ય અદ્ભુત છે, તેમાં તો કોઈ બે મત નથી, પરંતુ આ સમૃદ્ધ સાહિત્યના વારસાને માણનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે ગુજરાતી કવિતાઓના આ ખજાનાને લોકો સુધી જુદી રીતે પહોંચાડવાનું બીડું વડોદરાના કેટલાક સાહિત્ય પ્રેમી યુવાનોએ ઉપાડ્યું છે. તાજેતરમાં જ આ યુવાનોએ કવિ શિલ્પીન થાનકીની ગઝલ ‘ઘેટું ઘટે છે’નું રેપ સોન્ગ બનાવ્યું છે. સૌપ્રથમ તો આ ગીત સાંભળો!

આ ગીતમાં જે યુવાનનો અવાજ તમે સાંભળી રહ્યા છો એ છે અક્ષય દવે અને મ્યુઝિક કમ્પોઝ સૌરભ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ બંને યુવાનો સાથે ખાસ વાતચીત કરી હતી. આ સમગ્ર કોન્સેપ્ટ વિશે વાત કરતાં અક્ષયે જણાવ્યું કે “ગુજરાતી કવિતાઓ અને જૂના કોમ્પોઝિશનને આજે પણ માણનારો એક ચોક્કસ અને નાનો વર્ગ છે. તેથી આજના સમયનું જે હિપહોપ કલ્ચર છે ત્યાં સુધી આપણી આ કવિતાઓ પહોંચતી જ નથી. તેથી આજના યુવાનો સુધી આ ખજાનો પહોંચાડવા માટે અમે આ શરૂ કર્યું છે.”

દરમિયાન સૌરભે કહ્યું કે “ગુજરાતી સાહિત્ય ખૂબ જ સુંદર છે અને સાહિત્યમાં વર્ષો અગાઉ જે ઊંડું કામ થઈ ચૂક્યું છે તેને ફરી જીવંત કરી અને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે અમે આ રીતે ગીત રજૂ કરવાની શરૂઆત કરી હતી. જોકે, અમે એવી કવિતાઓ લેવા માગીએ છીએ જે જાણીતી નથી.”

આ અગાઉ કોરોના કાળમાં તેમણે જાણીતા કવિ રમેશ પારેખની કવિતા ‘કાગડો મરી ગયો’નું પણ રેપ સોન્ગ બનાવ્યું હતું.

હવે જો તમે હજી એ જ વિચારતા હોવ કે ‘ઘેંટું ઘટે છે’નો અર્થ શું? તો તમને જણાવી દઈએ કે આ એક અર્થાલંકાર છે. જેનો અર્થ એ છે કે માનવીની ઈચ્છાઓ અનંત છે, તેનો કોઈ જ અંત નથી. બધુ મેળવી લીધા છતાં માનવીને સદાય કંઈક ખૂટતું હોય તેમ લાગે છે અને કવિ શિલ્પીન થાનકીએ આ વાત સુંદર રીતે રજૂ કરતાં લખ્યું છે કે “પરાપૂર્વથી એક ઘેટું ઘટે છે; ગણી જો, હજી એક ઘેટું ઘટે છે.”

વેલ હવે જો તમારા મનમાં સવાલ હોય કે આ પ્રકારનું નવું ગીત ફરી ક્યારે સાંભળવા મળશે તો આ સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે “એક વીડિયો બનાવવા પાછળ ઘણો સમય લાગે છે અને લગભગ ૨-૩ મહિનામાં ફરી અમે કંઈક નવી સામગ્રી સાથે હાજર થઈશું.”

gujarat news vadodara