ગુજરાતમાં `શાહીન`નું સંકટ, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી

30 September, 2021 01:30 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય વેધશાળા દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હલકા દબાણનો પટ્ટો સર્જાવાને કારણે ચક્રવાતી તોફાનની આગાહી કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય વેધશાળા દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હલકા દબાણનો પટ્ટો સર્જાવાને કારણે ચક્રવાતી તોફાનની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત- ગુલાબની તીવ્રતા એટલી વધી છે કે તે ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચી છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી 24 કલાકમાં ગુલાબ વાવાઝોડું શાહીનમાં ફેરવાઈ જશે. 

આ વાવાઝોડુ કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના માકરન કોસ્ટ સુધી પહોંચી શકે છે. રાજ્યમાં તાઉ-તે બાદ હવે ‘શાહીન’નામના વાવાઝોડાંને લઇને દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યાં છે. આજે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને દાદરા નગર હવેલીમાં 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.માછીમારોને પણ દરિયામાં ન જવા  સુચના આપવામાં આવી છે.  

2 ઓક્ટોબર સુધી માછીમારી પ્રવૃતિ બંધ

 વાવાઝોડાને કારણે બીજી ઓક્ટોબર સુધી 100 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.  ગુરુવારે શાહિન ચક્રવાતનું રૂપ ધારણ કરશે અને શુક્રવારે શાહિન વિકરાળ સ્વરુપ ધારણ કરશે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત અને  સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

વરસાદને પગલે રાજ્યમાં NDRFની ટીમો તહેનાત કરવામાં આવી છે. રાજ્યમાં સુરત,ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ સહિત ગાંધીનગરમાં ટીમ મોકલવામાં આવી છે. આ સાથે જ કેટલાક જિલ્લામાં અને વિસ્તારમાં એસડીઆરએફની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.

વાવાઝોડાના પગલે  દક્ષિણ ગુજરાત અને  સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં તેમજ આણંદ અને ભરુચમાં આગામી બે દિવસમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

gujarat gujarat news Gujarat Rains ahmedabad