ગુજરાત પરથી ‘શાહીન’ની ઘાત તો ટળી ગઈ, પણ ભારે વરસાદનો ભય તો છે જ

01 October, 2021 09:20 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વાવાઝોડું કચ્છના દરિયાકિનારે થઈને પાકિસ્તાન તરફ ફંટાઈ શકે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને એવામાં ‘શાહીન’ વાવાઝોડાનું સંકટ પણ પેદા થયું હતું, પરંતુ અત્યારે રાહતના સમાચાર મળ્યા છે કે ગુજરાત પર હવે ‘શાહીન’નો ખતરો રહ્યો નથી, એ માત્ર વરસાદ બનીને ખાબકશે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સાંજે ૪ વાગ્યે કચ્છના સમુદ્રકિનારે વાવાઝોડું રચાશે જે પાકિસ્તાન તરફ ફંટાઈ જશે અને યુએઇ તરફ આગળ વધી શકે. એ દરમ્યાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, દીવ અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. સમુદ્રી પટ્ટાના વિસ્તારમાં ૧૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાને કારણે ગુજરાત પર આફત આવવાની શક્યતા નહીંવત્ છે.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સાડાચાર ઇંચ વરસાદ

ગુજરાતમાં ગઈ કાલે મેઘરાજા સૌરાષ્ટ્ર પર વરસ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સાડાચાર ઇંચ વરસાદ પડ્યો હતો. રાતે ૮ વાગ્યા સુધીમાં ગુજરાતના ૯૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જે પૈકી ૧૫ તાલુકાઓમાં ૧ ઇંચથી સાડાજાર ઇંચ વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનગઢમાં બે ઇંચથી વધુર઼; જ્યારે લખપત, માંડવી, દ્વારકા, નખત્રાણા અને અબડાસામાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

ગુજરાતના દેવભૂમિ દ્વારકા, કચ્છ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, વલસાડ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

gujarat gujarat news Gujarat Rains