28 June, 2025 09:28 AM IST | Dahod | Gujarati Mid-day Correspondent
પોતાની કારમાં બેસાડીને એક વિદ્યાર્થીને લઈ જતા અને તેને મૂક્યા પછી એક વિદ્યાર્થિનીને તેના પરીક્ષા-કેન્દ્ર પર પહોંચાડનારા ડૉ. રાકેશ ભોકણ.
મધ્ય ગુજરાતના દાહોદમાં ગઈ કાલે એક શિક્ષણ નિરીક્ષક ડૉ. રાકેશ ભોકણે માનવતા દર્શાવીને ભૂલથી બીજા પરીક્ષા-કેન્દ્રમાં ધોરણ ૧૦ની પૂરક પરીક્ષા આપવા પહોંચી ગયેલાં એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીને તેમની કારમાં બેસાડીને સમયસર તેમના પરીક્ષા-કેન્દ્રમાં પહોંચાડ્યા હતા જેના કારણે આ બે સ્ટુડન્ટ્સ તેમની પરીક્ષા આપી શક્યા હતા.
દાહોદની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં દાહોદના શિક્ષણ નિરીક્ષક તરીકે કાર્યરત ડૉ. રાકેશ ભોકણે કહ્યું હતું કે ‘ગઈ કાલે જ્યારે હું મારા ઘરેથી ઑફિસ જવા નીકળ્યો ત્યારે મંડાવ રોડ પર આવેલા શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરમાં સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા આપવા એક વિદ્યાર્થી પહોંચ્યો હતો, પરંતુ તેનો નંબર લિટલ ફ્લાવર્સ સ્કૂલમાં આવ્યો હતો. આ વિદ્યાર્થી મૂંઝવણભરી સ્થિતિમાં હોવાથી તેની વિગત જાણીને તરત જ તેને મારી કારમાં બેસાડીને તેના નિયત પરીક્ષા કેન્દ્ર ખાતે ઉતાર્યો હતો, પરંતુ આ સ્કૂલમાંથી એક વિદ્યાર્થિની તેના દાદા સાથે ગભરાયેલી હાલતમાં બહાર આવી હતી. તેને પૂછતાં ખબર પડી કે આ વિદ્યાર્થિની પણ ભૂલથી આ સ્કૂલમાં આવી ગઈ હતી, પરંતુ તેનું પરીક્ષા-કેન્દ્ર જ્ઞાન જ્યોત માધ્યમિક શાળા છે જેથી તેને અને તેના દાદાને કારમાં બેસાડીને તરત જ જ્ઞાન જ્યોત માધ્યમિક શાળા ખાતે લઈ ગયો હતો અને ત્યાં ઉતાર્યા હતા. આ બન્ને સ્ટુડન્ટ્સને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. આ બન્ને સ્ટુડન્ટ્સના કેસમાં એક સારી બાબત એ બની કે તેમને સમયસર પરીક્ષા-કેન્દ્ર સુધી પહોંચાડી શક્યો હતો. આ બન્ને સ્ટુડન્ટ્સ જ્યારે તેમના પરીક્ષા-કેન્દ્રમાં પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર હાશકારો જોવા મળ્યો હતો.’