03 July, 2026 08:51 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગામમાં એક પરિવારમાં દીકરીનો જન્મ થતાં અને બીજા પરિવારમાં સ્વજનનું મૃત્યુ થતાં સંકલ્પ મુજબ પરિવારજનોએ છોડ વાવ્યા હતા.
ગામના એક પરિવારના ઘરે દીકરીનો જન્મ થયો અને બીજા પરિવારમાં સ્વજનનું મૃત્યુ થયું એટલે સંકલ્પ મુજબ કર્યું વૃક્ષારોપણ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા ભદરપાડા ગામના લોકોએ વિશ્વ પર્યાવરણ દિવસે લીધેલા સંકલ્પને પૂરો કરવાની શરૂઆત કરી છે. ગામને હરિયાળું બનાવવા આવકારદાયક કદમ ઉઠાવીને ગામવાસીઓએ અનોખી પર્યાવરણીય પહેલ કરી છે. ગામમાં એક પરિવારના ઘરે દીકરીનો જન્મ થતાં અને બીજા પરિવારમાં સ્વજનનું મૃત્યુ થતાં સંકલ્પ મુજબ બન્ને પરિવારના સભ્યોએ વૃક્ષના છોડ વાવ્યા હતા.
ભદરપાડા ગ્રુપ ગામપંચાયતે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે એક ઠરાવ કરીને સંકલ્પ કર્યો હતો. ગ્રામજનોએ એકઠા થઈને જન્મ, મરણ કે અન્ય કોઈ પણ પ્રસંગે પાંચ વૃક્ષ વાવવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. ગામને હરિયાળું બનાવવાની ઇચ્છાશક્તિ સાથે ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને એ વૃક્ષને મોટું કરવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ લીધા બાદ ગામમાં રહેતા કિરણ ગાવિતના ઘરે દીકરીનો જન્મ થતાં પરિવારજનોએ પોતાના ખેતરમાં જઈને પાંચ છોડનું વૃક્ષારોપણ કર્યું હતું. બીજી તરફ ગામમાં રહેતા રમેશ કુંવરનું અવસાન થતાં તેમના પરિવારજનોએ પોતાના ઘરની નજીક આંબાના છોડ વાવ્યા હતા. પરિવારજનોએ સ્વજનની યાદમાં આ છોડને ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો.