વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં વંદે ભારત એક્સપ્રેસને સ્ટૉપેજ આપવાની માગણી

24 February, 2026 10:37 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

શામળાજીમાં અસંખ્ય યાત્રાળુઓ આવે છે તેમ જ અરવલ્લી જિલ્લાના લોકોને અમદાવાદ કે રાજસ્થાન જવા માટે અમદાવાદ–ઉદયપુર વચ્ચે શરૂ થયેલી આ ટ્રેન છે મહત્ત્વની

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટૉપેજ આપવા માટે રેલવેના સત્તાવાળાઓ સમક્ષ સ્થાનિક લોકોએ માગણી કરી છે. આ યાત્રાધામમાં અસંખ્ય યાત્રાળુઓ આવતા હોવાથી આ ટ્રેનનો લાભ તેમને અને સ્થાનિક લોકોને મળી શકે એ માટે આ ટ્રેનને સ્ટૉપેજ આપવાની માગણી બુલંદ બની છે.

તાજેતરમાં અમદાવાદના અસારવા રેલવે-સ્ટેશનથી રાજસ્થાનના ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનના રૂટમાં શામળાજી રોડ રેલવે-સ્ટેશન આવે છે. શામળાજી યાત્રાધામ છે અને અહીં દરરોજ દેશ-વિદેશના અસંખ્ય યાત્રાળુઓની અવરજવર રહે છે. એ ઉપરાંત અરવલ્લી જિલ્લાના લોકોને અમદાવાદ કે રાજસ્થાન જવા માટે આ ટ્રેન મહત્ત્વની છે. જો વંદે ભારત ટ્રેનનું શામળાજીમાં સ્ટૉપેજ અપાય તો હજારો યાત્રાળુઓને અને સ્થાનિક લોકોને સુવિધા મળવાનું સુલભ થઈ પડશે એવી લાગણી અને માગણી સ્થાનિક લોકોમાં ઊઠી છે.

gujarat news gujarat ahmedabad sabarkantha religious places vande bharat indian railways rajasthan