નડિયાદના જગવિખ્યાત સંતરામ મંદિરમાં ભાવિકોએ બોર ઉછાળી બાધા પૂરી કરી

18 January, 2022 10:53 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

માનતાનાં હજ્જારો કિલો બોર ઊછળ્યાં અને નીચે ઊભેલા ભાવિકોએ ભાવપૂર્વક બોરનો પ્રસાદ ઝીલ્યો

માનતા પૂરી થતાં નડિયાદમાં આવેલા સંતરામ મંદિરના ઉપલા માળેથી બોર ઉછાળી રહેલા ભાવિકો

પોતાનાં તોતડાતા કે બોલવામાં અચકાતાં બાળકો કડકડાટ બોલતાં થઈ જતાં મધ્ય ગુજરાતના નડિયાદમાં આવેલા જગવિખ્યાત સંતરામ મંદિરમાં ગઈ કાલે ભાવિકોએ બોર ઉછાળીને બાધા પૂરી કરી હતી. એટલું જ નહીં, ઉછાળવામાં આવેલાં બોરનો પ્રસાદ નીચે ઊભેલા ભાવિકોએ ભાવથી ઝીલ્યો હતો. પોષી પૂનમે માનતા, બાધાનાં બોર ઉછાળવાની પરંપરા ગઈ કાલે પણ ભાવિકોએ જાળવી રાખી હતી. જેમનાં બાળકો બોલવામાં અચકાતાં હોય કે પછી તોતડાતાં હોય કે કેટલાંક બાળકો બોલી શકતાં ન હોય તેવાં બાળકોના વાલીઓએ તેમનાં બાળકો બોલતાં થતાં તેમની બાધા પૂરી કરવા માટે ગઈ કાલે વહેલી સવારથી નડિયાદના સંતરામ મંદિરમાં આવ્યા હતા અને માનતા પૂરી થઈ હોવાથી ભાવપૂર્વક બોર ઉછાળી બાધા પૂરી કરી હતી. મંદિરના ઉપરના માળેથી હવામાં બોર ઉછાળ્યાં હતાં અને મંદિરના પટાંગણમાં ઊભેલા ભાવિકોએ આ બોર પ્રસાદરૂપે ઝીલ્યાં હતાં. સંતરામ મંદિરના સેવક કેતન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘણાં બાળકો બોલી શકતાં નથી કે પછી બોલવામાં તેમની જીભ તોતડાતી હોય છે. આવાં બાળકોના વાલીઓ અહીં સંતરામ મંદિરમાં પોષી પૂનમના દિવસે આવીને બાધા લેતા હોય છે કે મારું બાળક બોલતું થશે તો બાધા પૂરી કરીશ. ઘણા શ્રદ્ધાળુઓની બાધા પૂરી થતાં પોષી પૂનમના દિવસે અહીં આવીને બાધાનાં બોર ઉછાળીને બાધા પૂરી કરે છે.’

નડિયાદના સંતરામ મંદિરમાં બોર ઉછામણીમાં ઉછળતાં બોરને પ્રસાદ તરીકે ઝીલી રહેલા ભાવિકો

gujarat gujarat news nadiad shailesh nayak