ડાકોરમાં ભક્તોએ લૂંટ્યો ૧૫૧ મણનો પ્રસાદ

29 October, 2022 11:48 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન શ્રી રણછોડરાયજીના મંદિરમાં બેસતા વર્ષના દિવસે ખરા બપોરે ૮૫ ગામોના ભાવિકોએ ૧૫૧ મણ પ્રસાદ લૂંટ્યો હતો અને ઘરે લઈ ગયા હતા.

ડાકોર મંદિરમાં પ્રસાદ લૂંટી રહેલા ગામડાંના લોકો.

 
અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન શ્રી રણછોડરાયજીના મંદિરમાં બેસતા વર્ષના દિવસે ખરા બપોરે ૮૫ ગામોના ભાવિકોએ ૧૫૧ મણ પ્રસાદ લૂંટ્યો હતો અને ઘરે લઈ ગયા હતા. મંદિરમાં વર્ષોથી પ્રસાદ લૂંટવાની અનોખી 
પ્રથાને આજે પણ અનુસરવામાં આવી રહી છે અને પ્રભુના મંદિરમાં ભાવિકો પ્રેમથી પ્રસાદ લૂંટે છે અને કોઈ કંઈ બોલતું નથી.
ડાકોર મંદિરના મૅનેજર અરવિંદ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવા વર્ષની શરૂઆતમાં બેસતા વર્ષના દિવસે મંદિરમાં બપોરે અન્નકૂટની પ્રથા છે. ૧૫૧ મણ ભાત, બુંદી, ફ્રૂટસ તેમ જ મીઠાઈ સહિતનો પ્રસાદ મંદિરમાં મુકાય છે. બપોરે ભગવાનને રાજભોગ ધરાવાય છે. મંદિરના બે દરવાજા છે, જેની બહાર ડાકોરની આસપાસ આવેલાં ૮૫ ગામના લોકો આવીને ઊભા રહી જાય છે. બપોરે બે વાગ્યે દરવાજા ખૂલે ત્યારે આ લોકો મંદિરમાં આવીને પ્રસાદ લૂંટીને ઘરે લઈ જાય છે. આ વખતે બેસતા વર્ષના દિવસે અંદાજે ૬૦૦થી વધુ લોકો ભાત, બુંદી, ફ્રૂટસ અને મીઠાઈનો પ્રસાદ લૂંટીને ઘરે લઈ ગયા હતા.’
પ્રસાદ લૂંટવાની પ્રથા વિશે તેમણે કહ્યું હતું કે ‘માન્યતા એવી છે કે ખેતીલાયક જમીનમાં પ્રસાદ ભેળવે તો ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે તેમ જ પ્રસાદ ખાવાથી નાની-મોટી બીમારીમાંથી સાજા થવાય છે. જે લોકો પ્રસાદ લૂંટવા આવે છે તેમનાં ખેતરોમાં જ્યારે ધાન્ય પાકે છે ત્યારે ચોખા, બાજરી, ઘઉં મંદિરમાં ભેટમાં આપે પણ છે.’ 

dakor gujarat news