આજથી શક્તિપીઠ અંબાજી મંદિર પણ ખૂલ્યું

12 June, 2021 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૪મીથી ભોજનાલયમાં નિઃશુલ્ક પ્રસાદ મળશે

અંબાજી મંદિર

આજથી શક્તિપીઠ અંબાજી મંદિર ભક્તો માટે ખૂલી રહ્યું છે ત્યારે દર્શન માટે આવતા ભાવિકોને અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક પ્રસાદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતમાં વિરપુરમાં જલારામ મંદિરમાં તેમ જ બગદાણામાં બાપા સીતારામના સ્થાનકમાં ભાવિકોને નિઃશુલ્ક રીતે પ્રસાદ આપવામાં આવે છે, એટલે થયું કે અંબાજીમાં પણ આવું થઈ શકે છે. તેના માટે દાતાઓનો સંપર્ક કર્યો અને જય જલિયાણ ફાઉન્ડેશનને પ્રાયોગિક ધોરણે ત્રણ મહિના માટે ભોજનાલય ચલાવવા આપ્યું છે. ટ્રસ્ટના અધ્યક્ષ આનંદ પટેલના માર્ગદર્શનમાં ૧૪ જૂનથી અંબિકા ભોજનાલયમાં ભાવિકોને વિનામૂલ્યે ભોજન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભોજનાલયમાં પ્રસાદ માટે મોટી વ્યક્તિના ૧૬ રૂપિયા અને બાળકોના ૧૧ રૂપિયા ટોકન ચાર્જ લેવામાં આવતો હતો.’

ભોજનાલયમાં સવારે ૧૦થી બપોરે ૩-૩૦ વાગ્યા સુધી રોટલી-પૂરી, શાક, બુંદી, દાળ – ભાત, ગાંઠિયા, પાપડ અને સાંજે ૬થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ભાખરી, શાક, ખીચડી, કઢી, પાપડનું ભોજન અંબે માતાજીના પ્રસાદ તરીકે આપવામાં આવશે.

ગુજરાતમાં મંદિરો ગઈ કાલથી દર્શન માટે ખુલ્લાં મુકવામાં આવ્યાં છે. સોમનાથ, દ્વારકા, શામળાજી, ડાકોર, જૂનાગઢ, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, કચ્છમાં આશાપુરા માતાજીના મઢ સહિત ગુજરાતમાં મંગલ મંદિરોના દ્વાર ભાવિકો માટે ખૂલતા ભાવિકોએ દર્શન માટે ધસારો કર્યો હતો. કોરોનાની ગાઇડલાઇન સાથે ભાવિકોએ દર્શન કર્યા હતા.

gujarat ambaji temple ahmedabad