ગુજરાત સરકારે તો ખેડૂતો માટે રાહત-પૅકેજ જાહેર કર્યું જ છે, પણ...

11 November, 2025 09:16 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદના એક ઉદ્યોગપતિ વ્યક્તિગત રીતે પોતાના ગામ ઉપરાંત આસપાસનાં બીજાં ૩ ગામના ખેડૂતોની વહારે આવ્યા છે

અમદાવાદમાં રહેતા ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી

આ ઉદ્યોગપતિ ૪ ગામના ૧૨૦૦ ખેડૂતોને કરશે બે કરોડ રૂપિયાની વ્યક્તિગત સહાય

અમદાવાદમાં રહેતા ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી જૂનાગઢ જિલ્લાના પોતાના અને આસપાસનાં ગામોના ખેડૂતોની વહારે આવી વતનનું ઋણ ચૂકવશે

ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે તારાજ થયેલા ખેડૂતો માટે સરકારે તો રાહત-પૅકેજ જાહેર કર્યું જ છે, પણ અમદાવાદના એક ઉદ્યોગપતિ વ્યક્તિગત રીતે પોતાના ગામ ઉપરાંત આસપાસનાં બીજાં ૩ ગામના ખેડૂતોની વહારે આવ્યા છે. ૪ ગામની અંદાજે ૧૮૦૦થી ૨૦૦૦ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું અને કમોસમી વરસાદને કારણે નુકસાન થતાં એ નુકસાની ભરપાઈ કરવા માટે ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ ૪ ગામના ૧૨૦૦ ખેડૂતોને બેથી સવાબે કરોડ રૂપિયાની મદદ કરવાનું નક્કી કર્યું છે.

તાજેતરમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો માઠી દશામાં મુકાઈ ગયા છે. એમાં જૂનાગઢ જિલ્લા અને તાલુકાના બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર અને સેમરાળા ગામનાં ખેતરો પણ કમોસમી વરસાદનાં પાણીથી જળમગ્ન થયાં અને ઊભા પાકને નુકસાન થયું છે. આ વાતની જાણ બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીને થતાં તેમણે પોતાના વતનમાં મુશ્કેલીમાં મુકાયેલા ગામવાસીઓને મદદ કરવાનો વિચાર પરિવાર સમક્ષ મૂક્યો અને પરિવારે પણ એને વધાવી લીધો હતો. દિનેશ કુંભાણીએ ગયા અઠવાડિયે પોતાના ગામ બાદલપુર જઈને ૪ ગામના આગેવાનો સાથે મી​ટિંગ કરીને, ખેતરોમાં થયેલા નુકસાનીનો તાગ મેળવીને ૪ ગામના ખેડૂતોને આર્થિક મદદ કરવાની વાત કરી હતી. 

અમદાવાદમાં નર્મદા બાયોકેમ લિમિટેડ નામની ફર્મ ચલાવતા દિનેશ કુંભાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો જે ગામમાં જન્મ થયો, ગામમાં મોટો થયો, બાપ-દાદાએ મહેનત કરીને જ્યાં લીલી વાડી કરી એ માતૃભૂમિનો વિસ્તાર દુખી હોય તો તેમની પડખે ઊભા રહીને કંઈક કરવું જોઈએ. મારા ગામ બાદલપુર તેમ જ આસપાસનાં પ્રભાતપુર, સાખડાવદર અને સેમરાળા ગામમાં ખૂબ વરસાદ પડ્યો અને નુકસાન થયું છે તો ખેડૂતોને થોડી મદદ મળી રહે એટલે તેમને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય વિશે મારા પરિવારના સભ્યોને પણ કહ્યું તો પરિવારના સભ્યો પણ મદદ માટે તૈયાર થઈ ગયા. મારા ગામમાં બેઠક કરી હતી. એમાં ૪ ગામના આગેવાનો, સરપંચો, પંચાયતોના સભ્યો સહિત ૭૦થી ૮૦ લોકો ભેગા થયા હતા. તેમની સાથે ચર્ચા કરી હતી અને ગામમાં કેટલા ખેડૂત-ખાતેદારો છે, તેમની કેટલી જમીન છે એ સહિતની વિગતો મેળવી હતી. ૪ ગામના અંદાજે ૧૨૦૦ ખેડૂતો છે. તેમના ખેડૂત-ખાતેદારના ઉતારા, બૅન્કની વિગતો, આધાર કાર્ડ સહિતની માહિતી મને પહોંચતી કરવા આગેવાનોને કહ્યું હતું. એથી ખેડૂતોના બૅન્ક-ખાતામાં સીધી આર્થિક મદદ જમા કરી દઈશ. જોકે ગામલોકોએ એવી લાગણી દર્શાવી કે તમે ગામમાં આવીને બધાને ચેક આપો. એટલે ૧૬ નવેમ્બરે ખેડૂતોને ગામમાં જઈને ચેક આપીશું. મારા ગામ સહિત ૪ ગામમાં ૧૮૦૦થી ૨૦૦૦ હેક્ટરમાં વાવેતર થયું હતું એ કવર કરી આપીશ અને એના માટે બેથી સવાબે કરોડ રૂપિયાની મદદ કરીશ.’  

ખેડૂતોમાં હિંમત આવી ગઈ, હવે અમે ફરી નવી ખેતી શરૂ કરીશું 

વતનના લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણીને એક ભાઈ તરીકે તેમને સપોર્ટ કરવા માટે આગળ આવેલા દિનેશ કુંભાણીના કારણે ૪ ગામના ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી. પ્રભાતપુર ગામના સરપંચ રાકેશ સાવલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કમોસમી વરસાદથી પાક ધોવાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતો મૂંઝવણમાં છે કે શું કરવું? આવા કપરા સમયે દિનેશભાઈ અમારી મદદે આવ્યા છે. ખેડૂતો હિંમત હારી ગયા હતા અને પડી ભાંગ્યા હતા, પણ હવે હિંમત આવી ગઈ છે. અમે ફરી વાર નવી ખેતીની શરૂઆત કરીશું. અમે બધા ખેડૂતોએ વિચાર્યું નહોતું કે કોઈ દાતા આવીને અમને સપોર્ટ કરશે. આવું તો અમારા ૪ ગામના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. જેને ખેડૂત પ્રત્યે લાગણી હોય, ગામમાંથી ધંધા માટે બહાર ગયા હોય અને મોટા માણસ થઈ ગયા હોય છતાં પણ વતન માટે લાગણી ધરાવતા હોય અને જન્મભૂમિમાં મદદ કરવા આવે એ તો પહેલી વાર બન્યું છે. દિનેશભાઈ માટે કહીએ એટલું ઓછું છે. ચારે ગામના ૧૨૦૦ ખેડૂતો તેમના આભારી છીએ. દિનેશભાઈ ગામમાં આવ્યા હતા અને ખેતરોમાં થયેલું નુકસાન જોયું હતું અને મીટિંગ કરી હતી. ખેડૂતોની વિગતો મેળવીને ખેડૂતને એક ભાઈ તરીકે હેક્ટરદીઠ ૧૧,૦૦૦ રૂપિયા આપવાનું જણાવ્યું હતું. જે ખેડૂતની જેટલી જમીન હશે એટલી આર્થિક મદદ તેઓ કરશે. એટલે કે કોઈ ખેડૂતની બે હેક્ટર જમીન હોય કે પાંચ હેક્ટર હોય, એ રીતે મદદ કરશે. ૪ ગામમાં અંદાજે ૨૦૦૦ હેક્ટર જેટલી જમીન છે.’ 

gujarat news gujarat ahmedabad shailesh nayak columnists exclusive gujarati community news