ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ અને ભરૂચ–અંકલેશ્વરમાં પૂરને લીધે આફત

19 September, 2023 10:30 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

જૂનાગઢના વિસાવદર તાલુકામાં સાંબેલધાર ૧૨ ઇંચ વરસાદ : મેંદરડામાં સાડાસાત ઇંચ, રાધનપુરમાં સવાછ ઇંચ, વંથલી અને ભાભરમાં ૬ ઇંચ, મહેસાણા અને બેચરાજીમાં પાંચ ઇંચથી વધુ, ડીસા, દિયોદર, બગસરા અને જૂનાગઢમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો

સરદાર સરોવર ડૅમમાંથી છોડવામા આવેલા પાણીને કારણે અંકલેશ્વર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પ્રદીપ ગોહિલ


અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી આફત ઊતરી હતી, જ્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદાના પૂરની આફત ઊતરતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. ભરૂચ–અંકલેશ્વરમાં નર્મદાના પૂરથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતાં પૂરનાં પાણી ઘરોમાં ઘૂસી જતાં તબાહી સર્જાઈ હતી. બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સાંબેલધાર ૧૨ ઇંચ વરસાદ પડતાં વિસાવદર પંથક જળમગ્ન બન્યો હતો.

અંકલેશ્વર બ્રિજ પાસે ભરાયેલા પાણીમાં ડૂબેલી કાર.

સરદાર સરોવર ડૅમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં ભરૂચ જિલ્લાનાં ગામોને અલર્ટ કરાયાં હતાં. રવિવાર રાતથી નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેને કારણે ભરૂચના દાંડિયાબજાર, ફુરજા વિસ્તાર, છાપરા, ઉત્તરાજ, શુકલતીર્થ, મક્કતમપુર, મંગલેશ્વર સહિતના વિસ્તારો, અંકલેશ્વર તાલુકામા અંકલેશ્વર ઉપરાંત સરફુર્દીન, સક્કરપોર અને  બોરભાટા, ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી, સુલતાનપુરા, ઉચેડિયા, જૂના ટોઠિદરા, જૂની જરસાડ, ​લિમોદરા ઉપરાંત હાંસોટ અને વાગરા તાલુકામાં કાંઠા વિસ્તારનાં ગામો પ્રભાવિત થયાં હતાં. આ ગામો અને ખેતરોમાં નર્મદા નદીનાં પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં. નર્મદા નદીના પૂરને કારણે અંકલેશ્વરમાં તારાજી સર્જાઈ હતી. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અંકલેશ્વરમાં કંઈ-કેટલીય સોસાયટીઓમાં પૂરનાં પાણી ઘૂસી જતાં લોકોનાં ઘરોમાં ભારે ખાના-ખરાબી સર્જાઈ હતી. પૂરનાં પાણી એવી ઝડપથી ફરી વળ્યાં હતાં કે લોકો કંઈ સમજે એ પહેલાં તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી અને ઘરવખરી પલળી ગઈ હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પગલે બચાવ-રાહત કામગીરી હાથ ધરાઈ હતી.

સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં.

બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. જૂનાગઢના વિસાવદરમાં ૧૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મેંદરડા તાલુકામાં સાડાસાત ઇંચ, વંથલીમાં પાંચ ઇંચ અને જૂનાગઢ જિલ્લામાં ૪ ઇંચથી વધુ વરસાદ પડયો હતો. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. રાધનપુરમાં સવાછ ઇંચ અને ભાભરમાં ૬ ઇંચ, મહેસાણા અને બેચરાજીમાં પાંચ ઇંચથી વધુ, ડીસા, દિયોદર અને બગસરામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૨૩૮ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, જામનગર, પોરબંદર, ભાવનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણી છોડાતાં નર્મદા, તાપી, મહીસાગર, શેઢી, બનાસ, કાળવા, ઢાઢર, ઓઝત સહિતની નદીઓમાં બે કાંઠે ધસમસતાં પાણી વહ્યાં હતાં.

gujarat news Gujarat Rains ahmedabad