સંકલનના અભાવે ૧૦૦ કરોડનું દાન અટવાયું

24 October, 2021 07:44 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૧૩ ઑગસ્ટે દાતાનું નામ ગુપ્ત રાખીને નીતિન પટેલ દ્વારા કાર્યક્રમમાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં આવેલી કિડની ઇન્સ્ટિટ્યૂટને દાનની જાહેરાત કરી હતી

નીતિન પટેલ

૧૩ ઑગસ્ટે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘સિવિલ હૉસ્પિટલ કૅમ્પસમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)માં સારવાર માટે આવેલા એક દરદીને મળેલી સંતોષકારક સારવારને કારણે તેમના સંબંધીઓએ કિડની હૉસ્પિટલને ૧૦૦ કરોડનું દાન આપવાની તૈયારી બતાવી છે. જોકે દાતાએ તેમના નામનો ઉલ્લેખ કરવાની ના પાડી એ વાતને બે મહિના વીતવા છતાં ન કોઈ દાતા સામે આવ્યા છે કે ન કોઈ દાન આવ્યું છે. ૧૦૦ કરોડ રૂપિયાનું દાન આપનાર ખરેખર આવા કોઈ દાતા છે ખરા? એ બાબતે નીતિન પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે દાતા મારા ઓળખીતા છે. મીડિયાના કાર્યક્રમમાં મેં તેમના તરફથી કિડની ઇન્સ્ટિટ્યૂટને ૧૦૦ કરોડના દાન બાબતે જાહેરાત પણ કરી હતી. કિડની ઇન્સ્ટિટ્યૂટના ડૉ. પ્રાંજલ મોદી સમગ્ર જાણકારીથી વાકેફ છે. કિડની ઇન્સ્ટિટ્યૂટ અને દાતા વચ્ચે યોગ્ય સંકલન થતું ન હોવાનું મારા ધ્યાને આવ્યું છે. આ કારણે દાનની પ્રક્રિયા અટકી હોય એવું લાગે છે. નીતિન પટેલે ૧૦૦ કરોડના દાતાની જાહેરાત કરી ત્યારે મંચ પર મુખ્ય પ્રધાન, આરોગ્ય સચિવ અને કિડની ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ઉપસ્થિત હતા. નીતિન પટેલની અચાનક જાહેરાતથી સાથી મહેમાનો પણ આશ્ચર્ય પામ્યા હતા. કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું હતું કે દાતા વિશે હું અને માત્ર પ્રાંજલ મોદી જાણીએ છીએ. મુખ્ય પ્રધાન સાથે પણ તેમણે ચર્ચા કરવાની બાકી છે. હાલની સ્થિતિએ આ બાબતે હજી કોઈ કશું જાણતું નથી.

gujarat gujarat news