મુંબઈગરા ડેન્ટિસ્ટે વડોદરામાં બનાવ્યું છે અનોખું ડેન્ટલ મ્યુઝિયમ

21 April, 2024 01:39 PM IST  |  Vadodara | Shailesh Nayak

મલાડમાં જન્મેલા અને ઊછરેલા ૭૦ વર્ષના ડૉ. યોગેશ ચંદારાણાના પૅશનને તેમની ફૅમિલીએ સપોર્ટ કર્યો અને સંભવતઃ ભારતનું પહેલું એવું અનોખું મ્યુ​ઝિયમ બન્યું જેમાં છે દાંતને લગતી અઢળક વરાઇટીઓ અને કલ્પનાતીત કલેક્શન

ડૉ. યોગેશ ચંદારાણા

દાંતનું મ્યુ​ઝિયમ.
અચરજ લાગે છેને! જોકે આવું મ્યુ​ઝિયમ બન્યું છે ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં અને લોકો એ જોવા પણ જાય છે. તમને કદાચ એમ પણ થતું હશે કે આ મ્યુ​ઝિયમમાં એવું તે વળી શું હશે? અચરજ પમાડે એવી, દાંતને લગતી અહીં લગભગ ૫૦૦૦થી વધુ ઍન્ટિકથી લઈને આધુનિક વસ્તુઓ છે. એમાં પણ કેટલીક વસ્તુઓ વિશે જાણીને ‘હેં’ બોલાઈ જવાય એવી ઍન્ટિક વસ્તુઓનો ખજાનો પણ છે જેનો એક સમયે દાંતની સારવારમાં ઉપયોગ થયો હતો. 
આઇડિયા કેવી રીતે આવ્યો?

દાંત આપણા જ હોવા છતાં એને મોટા ભાગે આપણે હળવાશથી લઈએ છીએ. જોકે વડોદરાના ડેન્ટિસ્ટ ડૉ. યોગેશ ચંદારાણાએ દંતચિકિત્સાની સાથે-સાથે કંઈક અલગ જ કરવાના વિચાર સાથે જોતજોતાંમાં દાંતનું આખું મ્યુ​ઝિયમ બનાવી દીધું. આ મ્યુ​ઝિયમ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે માહિતી આપતાં ૭૦ વર્ષના ડૉ. યોગેશ ચંદારાણા કહે છે, ‘૨૦૦૬માં અમે અમે​રિકા ગયા હતા જ્યાં શિકાગોમાં હાઉઝ ઑન ધ રૉક્સ નામનું મ્યુ​ઝિયમ જોયું. એક ધનિક વ્યક્તિએ આ મ્યુ​ઝિયમ બનાવ્યું છે જેમાં દુનિયાભરની સ્પેશ્ય​લિસ્ટ વસ્તુઓનું કલેક્શન કર્યું છે. આ મ્યુ​ઝિયમ જોઈને મને વિચાર આવ્યો કે આ વ્યક્તિ અલગ-અલગ વસ્તુઓનું કલેક્શન કરી શકે તો આપણે દાંતનું કરીએ, દાંત માટે એક એવું મ્યુ​ઝિયમ બનાવીએ જેમાં કુતૂહલવશ લોકો જોવા આવે અને એમાંથી દાંત અને મોઢાની તકલીફો વિશે જાણકારી મેળવી શકે. એમાં ડેન્ટલ મ્યુ​ઝિયમ બનાવવાનો વિચાર આવ્યો. મારો જન્મ મુંબઈમાં મલાડમાં થયો હતો. એન. એલ. હાઈ સ્કૂલમાં પાંચમા ધોરણમાં હતો ત્યારે મુંબઈથી શિફ્ટ થઈને વડોદરા આવ્યા હતા. વડોદરામાં આટલાં વર્ષો રહ્યાં તો થયું કે ઈશ્વરે જે આપ્યું છે એમાં લર્ન, અર્ન અને રિટર્નના સૂત્ર સાથે કામ કરીએ. લર્નિંગ કર્યું, પછી અર્નિંગ કર્યું તો હવે સમાજને કંઈ પાછું આપવું જોઈએ; કારણ કે જે સમાજે તમને મોઢામાં અખતરા કરવાની છૂટ આપી એને નિઃશુલ્ક રીતે જાણકારી આપી શકો, પહોંચાડી શકો તો લોકો એનો ઘણો લાભ લઈ શકે. એટલે પછી ડેન્ટલ મ્યુ​ઝિયમ બનાવવાના વિચાર સાથે ૨૦૧૩માં કામ શરૂ કર્યું. કોઈ પણ ઉંમરની વ્યક્તિ આવે તો તે એમાંથી કંઈક મેળવીને જાય, શીખીને જાય એ ઉદ્દેશ સાથે મ્યુ​ઝિયમ બનાવ્યું.’

જાતભાતની વસ્તુઓનો સંગ્રહ 
ડૉ. ચંદારાણાના ડેન્ટલ મ્યુ​ઝિયમમાં અનબિલીવેબલ વસ્તુઓ છે એ વિશે વાત કરતાં તેમના ડૉક્ટરપુત્ર ડૉ. પ્રણવ ચંદારાણા કહે છે, ‘મારા પિતાજી ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ કરતા હતા ત્યારે એક જર્નલમાં તેમણે દાંત પરની એક ટપાલ​ટિ​કિટ જોઈ હતી. તેમને ટપાલ​ટિ​કિટનો શોખ હતો. મારા પિતાજીનાં લગ્ન થયાં ત્યારે મારાં ડૉક્ટરમમ્મી ભાવનાબહેનને પણ ટપાલ​ટિ​કિટનો શોખ. એટલે પછી તો ધીરે-ધીરે ડેન્ટિસ્ટ્રી પર દુનિયાભરની અલગ-અલગ ૧૫૦૦ જેટલી ટપાલટિકિટો એકઠી કરી છે. ૧૮૯૩ની ન્યુ ઝીલૅન્ડની એક ટપાલ​ટિ​કિટ પણ છે. એટલે આ બધી ડેન્ટલ સ્ટૅમ્પની સાથે-સાથે ૨૦૧૩માં મ્યુ​ઝિયમ બનાવવાનું ચાલુ કર્યું અને ૨૦૧૬માં મ્યુ​ઝિયમ શરૂ કર્યું ત્યાં સુધીમાં ઘણીબધી વસ્તુઓ અમે એકઠી કરી હતી. ૧૮૮૦માં વિક્ટોરિયન યુગના હાથથી બનાવેલા હાડકાના હાથાવાળા જંગલી સૂવરના વાળવાળા ટૂથબ્રશ સ​હિત દુનિયાભરનાં ૨૩૭૧ વરાઇટીનાં ટૂથબ્રશ મ્યુ​ઝિયમમાં છે. એક સમયે આપણે દાતણનો ઉપયોગ કરતા હતા. ત્યાર બાદ ટૂથપાઉડર અને ટૂથપેસ્ટ શરૂ થયાં. એ જૂના જમાનાનાં ટૂથપેસ્ટ અને ટૂથપાઉડર પણ મ્યુ​ઝિયમમાં છે. એમાંનાં ઘણાં અઢારમી સદીનાં છે. ૭૦ પ્રકારની ટૂથ​પિક છે. માચીસના બૉક્સ પર દાંતની છાપ આવતી એવી ૧૫૦થી ૨૦૦ જેટલી માચીસ પર આવેલી ડેન્ટલ છાપોનું કલેક્શન છે. ડેન્ટિસ્ટને લગતા કૉઇન અને ચલણી નોટ, ડેન્ટલ પેઇન્ટિંગ્સ, આર્ટવર્ક, દાંતને લગતાં ઍન્ટિક ઇસ્ટ્રુમેન્ટ્સ પણ મ્યુ​ઝિયમમાં છે. આ રીતે દાંતને લગતી લગભગ પાંચ હજારથી વધુ વસ્તુઓનું કલેક્શન છે.’

જૂનામાં જૂની ​ડ્રિલ પણ સાચવી છે

તમને જાણીને આશ્ચર્ય થશે કે સો-બસો વર્ષ પહેલાં એક સમયે દાંતની સારવાર માટે સળિયાને હાથથી ફેરવીને દાંતમાં સારવાર કરવામાં આવતી. એ સમયનો સ​ળિયો આજે ડૉ. ચંદારાણાના ડેન્ટલ મ્યુ​ઝિયમમાં છે એની જાણકારી આપતાં ડૉ. પ્રણવ ચંદારાણા કહે છે, ‘અમારી પાસે લગભગ ૧૮૨૦ની એક ડ્રિલ છે. આ વન ઑફ ધ ઓલ્ડેસ્ટ ડ્રિલ છે જેનો ઉપયોગ ડેન્ટિસ્ટ્રીમાં થતો હતો. હાથમાં સ્ટેનલસ સ્ટીલનો રૉડ હોય જે આગળના ભાગથી શાર્પ હોય. આ રૉડને હાથથી ફેરવવાનો જેનાથી દાંતમાં ડ્રિલ થાય. આ ઉપરાંત જૉન કૅનેડીના ડેન્ટિસ્ટ હતા તેઓ અખબારમાં જાહેરાત આપતા એ ૨૦૦ વર્ષ પહેલાંની જાહેરાતનું કટિંગ પણ આ મ્યુ​ઝિયમમાં છે.’

ઑગ્મેન્ટેડ રિય​​લિટી શો 
મ્યુ​ઝિયમમાં આધુનિકતાનો ટચ પણ આપવામાં આવ્યો છે અને એના દ્વારા લર્નિંગ પણ કરાવવામાં આવે છે એ વિશે પ્રકાશ પાડતાં ડૉ. પ્રણવ ચંદારાણા કહે છે, ‘અમારા મ્યુ​ઝિયમમાં પહેલા ફ્લોર પર મ્યુ​ઝિયમ છે અને બીજા ફ્લોર પર ૧૦૦ લોકો બેસી શકે એવું નાનું ઑડિટોરિયમ બનાવ્યું છે. મ્યુ​ઝિયમની મુલાકાતે આવતા લોકોને અમે ડેન્ટલ કાર્ટૂન અને ડેન્ટલ મૂવી બતાવીએ છીએ. અમે સંભવતઃ દુનિયામાં કદાચ પ્રથમ છીએ જે ઑગ્મેન્ટેડ ​રિયલિટી (AR) શો ડેન્ટિસ્ટ્રી પર બતાવે છે. ઍનિમલ ટીથ પર AR શો બનાવ્યો છે. પ્રાણીઓ મોટી સ્ક્રીન પર દેખાય, તેઓ કેવી રીતે દાંતનું ધ્યાન રાખે એ વિશે બોલે અને શીખવે એટલે બાળક હોય કે મોટાઓ હોય તેમને રોમાંચ ઊભો થાય અને ૧૫ ​મિ​નિટના આ શો દ્વારા દાંત વિશે શીખવાનું પણ મળે.’

3-D ડેન્ટલ ફિલ્મનું પ્લાનિંગ 
વડોદરાની ડૉ. ચંદારાણા ફૅમિલીને માત્ર મ્યુ​ઝિયમ બનાવીને બેસી નથી રહેવું, સમયની સાથે તાલ મિલાવતાં આગળ પણ વધવું છે એટલે આવનારા દિવસોમાં ટૂથપેસ્ટ, ટૂથબ્રશ અને ટૂથ વચ્ચેની સ્ટોરી ઑફ ટૂથનું પ્લા​નિંગ ચાલે છે. આ સંવાદમાં દાંતની તકલીફો અને એનું ધ્યાન કેવી રીતે રાખવું એ ડેવલપ કરી રહ્યા છે. આ ઉપરાંત એક ડેન્ટલ ઑર્કેસ્ટ્રા પણ બનાવવાની સાથે 3-D ડેન્ટલ ​ફિલ્મ પણ બનાવી રહ્યા છે.

પહેલું વ્યક્તિગત ડેન્ટલ મ્યુ​ઝિયમ 
ડેન્ટલ મ્યુ​ઝિયમને એશિયા બુક ઑફ રેકૉર્ડ‍્સ અને ઇન્ડિયા બુક ઑફ     રેકૉર્ડ‍્સમાં સ્થાન મળ્યું છે. ડૉ. પ્રણવ ચંદારાણા કહે છે, ‘ભારતમાં આવું ડેન્ટલ મ્યુ​ઝિયમ નથી. કદાચ વિદેશમાં પણ સાંભળ્યું નથી કે પર્સનલી કોઈ વ્યક્તિએ ડેન્ટલ મ્યુ​ઝિયમ બનાવ્યું હોય. હા, અમે​રિકન અને બ્રિટિશ ડેન્ટલ

અસો​સિએશને બનાવ્યું છે, પરંતુ વ્યક્તિગત રીતે આવું બનાવ્યું હોય એવું સાંભળ્યું નથી. અત્યાર સુધીમાં અમારા આ મ્યુ​ઝિયમની સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સ તેમ જ મોટા લોકો સહિત ૩૫,૦૦૦થી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.’

ચંદારાણા ફૅમિલીમાં બધા જ ડૉક્ટર

ડૉ. યોગેશ ચંદારાણા, ડૉ. ભાવના ચંદારાણા, યજત ચંદારાણા, ડૉ. શ્રુતિ ચંદારાણા અને ડૉ. પ્રણવ ચંદારાણા.


વડોદરામાં રેસકોર્સ વિસ્તારમાં ડેન્ટલ મ્યુ​ઝિયમ આવેલું છે. ચંદારાણા ફૅમિલીમાં ડૉ. યોગેશ ચંદારાણા, તેમના પુત્ર ડૉ. પ્રણવ ચંદારાણા અને પુત્રવધૂ ડૉ. શ્રુતિ ડેન્ટિસ્ટ છે; જ્યારે ડૉ. યોગેશ ચંદારાણાનાં પત્ની ભાવનાબહેન ફૅમિલી-​ફિ​ઝિશ્યન છે. આ ફૅમિલીના સભ્યોના સપોર્ટથી ડૉ. યોગેશ ચંદારાણા ડેન્ટલ મ્યુ​ઝિયમ બનાવી શક્યા છે. તેમના મતે આ મ્યુ​ઝિયમનો હેતુ ફ્રી ફૉર એવરીવન છે એટલે તેમની ફૅમિલીના સભ્યો કોઈ પણ મુલાકાતીને પર્સનલી આખા મ્યુ​ઝિયમની વિ​ઝિટ કરાવે છે. ડૉ. પ્રણવ ચંદારાણા કહે છે, ‘અમારે ત્યાં ફિલ્મ કે AR શો બતાવ્યા પછી અમે એવું નથી કહેતા કે તમે દાંતની સારવાર માટે અમારી પાસે આવો. દરેક વિડિયો-શોના અંતમાં એવું કહેવામાં આવે છે કે તમારા દાંતના ડૉક્ટરની મુલાકાત લો.’

gujarat news malad vadodara health tips shailesh nayak