અમદાવાદમાંથી ૨.૧૦ કરોડની અને સુરતમાંથી ૨૮ લાખની ૫૦૦ રૂપિયાની બનાવટી ચલણી નોટો પકડાઈ

20 March, 2026 07:46 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બનાવટી ચલણી નોટોનો જથ્થો પકડી પાડીને ૧ મહિલા સહિત ૭ જણની ધરપકડ કરી હતી. 

પ્રતીકાત્મક તસવીર

સુરતમાં સત્યમ ફાઉન્ડેશનના ગુરુ પ્રદીપ જોટંગિયા બનાવટી ચલણી નોટોના કૌભાંડમાં ઝડપાયા છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી ૨.૧૦ કરોડ રૂપિયાની અને સુરતમાંથી ૨૮ લાખની ૫૦૦ રૂપિયાની બનાવટી ચલણી નોટોનો જથ્થો પકડી પાડીને ૧ મહિલા સહિત ૭ જણની ધરપકડ કરી હતી. 

કેટલાક લોકો બનાવટી ચલણી નોટો સુરતથી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ડિલિવર કરવા આવવાના છે એવી બાતમીના આધારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ૩ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. એમાં એક કારમાંથી એક મહિલા સહિત ૬ વ્યક્તિ મળી આવી હતી. તેમની અને કારની તપાસ કરતાં કાળા કલરની બૅગ તેમ જ પૂઠાના બૉક્સમાંથી ૫૦૦ રૂપિયાની બનાવટી ભારતીય ચલણી નોટોનાં બંડલો મળી આવ્યાં હતાં. પોલીસે તમામની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. એમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સુરતમાં સત્યમ ફાઉન્ડેશનના નામથી આરોપી પ્રદીપ જોટંગિયા આશ્રમ ચલાવે છે. ૪ મહિના પહેલાં તેના આશ્રમમાં તમામ આરોપીઓએ બનાવટી ભારતીય ચલણી નોટો બનાવીને પોતાની સંસ્થાના વિકાસનું કામ કરવાના હેતુથી ગુનાહિત કાવતરું રચ્યું હતું. આરોપી મુકેશ ઠુમ્મરના સુરતમાં આવેલા મકાનમાં બનાવટી ચલણી નોટો છાપવા માટે પ્રિન્ટર અને પેપર-કટિંગ મશીન તથા જરૂરી સામગ્રી રાખીને પ્રિન્ટ કાઢતા હતા. મુકેશ ઠુમ્મરે ચાઇનીઝ એજન્ટનો સંપર્ક કરીને સિક્યૉરિટી થ્રેડ પેપર મગાવ્યા હતા. આ લોકો બનાવટી ચલણી નોટો છાપીને બજારમાં ફરતી મૂકવાના હતા. જોકે તેઓ બનાવટી ચલણી નોટો બજારમાં મૂકીને ભારતીય અર્થતંત્રને આર્થિક નુકસાન પહોંચાડે એ પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બનાવટી ચલણી નોટોનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે સુરતમાં રહેતા મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બલર, દિવ્યેશ રાણા, પ્રદીપ જોટંગિયા, ભરત કાકડિયા અને મહિલા આરોપીને ઝડપી લીધાં હતાં. 

gujarat news ahmedabad surat Crime News gujarat police