સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હૉસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ કર્યાં ધરણાં

03 September, 2026 11:12 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

ખાવામાં નીકળે છે કીડા, પાણીની અછત: રાતે વિરોધ થતાં પોલીસ પહોંચી હૉસ્ટેલમાં

સમરસ ગર્લ્સ હૉસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તા

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કૅમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હૉસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તા, પાણીની અછત, સફાઈનો અભાવ વગેરેને લઈને વિદ્યાર્થિનીઓ મંગળવારે રાતે કૅમ્પસમાં ધરણાં પર બેસી ગઈ હતી. વિદ્યાર્થિનીઓએ ભારે સૂત્રોચ્ચાર કરતાં પોલીસ હૉસ્ટેલમાં પહોંચી હતી. 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હૉસ્ટેલમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમસ્યાઓથી પરેશાન થયેલી વિદ્યાર્થિનીઓએ ધરણાં કરીને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ પીરસાતા ભોજનની ગુણવત્તા, પાણીની મુશ્કેલી તેમ જ હૉસ્ટેલમાં રહેવાની સુવિધાને લઈને મંગળવારે રાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ મીડિયાને કહ્યું હતું કે ‘અમારે ત્યાં ખાવામાં બહુ પ્રૉબ્લેમ છે. ખાવામાંથી કીડા નીકળે છે. પાણીવાળું બટાટાનું શાક પીરસાય છે. રોટલીઓ ચાવવી મુશ્કેલજનક હોય છે. નાહવા માટે બે કલાક પાણી આપે છે. વૉશરૂમ માટે પણ પાણી આપતા નથી.’   

gujarat news gujarat surat