છેવટે કચ્છ પર પણ મેહુલિયો મહેરબાન

24 September, 2021 11:32 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

નખત્રાણામાં ૪ ઇંચ જેટલો વરસાદ : જોકે જામનગરના જોડિયામાં મેઘરાજા ત્રાટકતાં સાડાસાત ઇંચ વર્ષા થઈ

તાજેતરમાં જ સરકારની એમજીઆરઇજીએ સ્કીમ હેઠળ બનેલો ચેકડૅમ ગઈ કાલના એક દિવસના મુશળધાર વરસાદને કારણે છલકાઈ ગયો હતો.

લાંબા સમય બાદ ગઈ કાલે ગુજરાતના કચ્છમાં વરસાદ પડ્યો હતો જેમાં નખત્રાણામાં ૯૩ મિ.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયા પછી હવે મેઘરાજાઅે કચ્છની પ્રજાને ખુશખુશાલ કરી દીધી છે.
જોકે ગઈ કાલે ગુજરાતમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના જોડિયામાં પડ્યો હતો જ્યાં ૧૮૮ મિ.મી. એટલે કે સાડાસાત ઇંચ વર્ષા થઈ હતી.
ગઈ કાલે કચ્છ જિલ્લામાં તમામ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. અંજારમાં ૭૬ મિ.મી. એટલે કે ૩ ઇંચથી વધુ, રાપરમાં અઢી ઇંચથી વધુ, લખપતમાં એક ઇંચથી વધુ અને ભુજ તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગાંધીધામ, મુંદ્રા, અબડાસા અને ભચાઉમાં હળવો વરસાદ પડ્યો હતો.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં જે સાડાસાત ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અેમાં સવારે ૬થી ૮ વાગ્યાના બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લાના ગણદેવી, સુરતના ઉમરપાડા અને નવસારીના ચીખલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગઈ કાલે ગુજરાતના ૩૭ તાલુકાઓમાં એક ઇંચથી સાડાસાત ઇંચ વરસાદ પડ્યો હતો. સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યના કુલ ૧૩૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

gujarat gujarat news ahmedabad shailesh nayak